દેશમાં ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. યંગસ્ટરો પણ હવે નોકરી કે બિઝનેસ છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં અલગ-અલગ રીતે ખેતીનું ઉત્પાદન કરી ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના સાંખેજ ગામના એક ખેડૂતે ‘બ્લેક રાઈસ’ના ઉત્પાદનમાં સફળતા પ્રાપ્ત કરી છે. બ્લેક રાઈસની ખેતી માટે યોગ્ય જમીન અને હવામાનની જરૂર પડે છે, એટલે જ આ ખેતી દેશભરમાં માત્ર ત્રિપુરા અને મિઝોરમમાં થતી હોય છે. જોકે ખેડાના યુવાને સૌ પ્રથમ ગુજરાતમાં આ ખેતી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
ત્રિપુરાથી ખેતી લખતી જાણકારી પ્રાપ્ત કરી
ખેડામાં આવેલા સાંખેજ ગામનો યુવાન શિવમ હરેશભાઈ પટેલ પોતાની સમજદારી અને યોગ્ય માર્ગદર્શનથી બ્લેક રાઈસના ઉત્પાદનમાં સફળતા મેળવી છે. શિવમની બહેન રશિયામાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. કોલેજમાં તેને બ્લેક રાઈસ વિશે જાણવા મળ્યું છે. તેમણે પોતાના ભાઈને ખેતી વિશેની યોગ્ય માહિતી આપી અને ત્રિપુરામાં જઇને વધુ જાણકારી પ્રાપ્ત કરવા જણાવ્યું હતું. શિવમે ત્રિપુરાથી બ્લેક રાઈસ વિશે સમગ્ર માહિતી મેળવી પોતાના ખેતરમાં તેનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું.
ત્રણ વીઘામાંથી 140થી વધારે મણ ‘બ્લેક રાઈસ’નું ઉપજ
શિવમના જણાવ્યા અનુસાર, બ્લેક રાઈસથી ડાયાબીટીશ તેમજ ડાયેટ સહિત માટે ખૂબજ ઉપયોગી છે. શિવમે મિઝોરમથી 15 કિલો બિયારણ મંગાવ્યું અને પોતાના 3 વીઘા ખેતરમાં બિરાયણનો છંટકાવ કર્યો હતો. ત્રણ વીઘામાંથી શિવમે 140થી વધારે મણ બ્લેક રાઈસની ઉપજ પ્રાપ્ત થઇ હતી. હાલમાં બ્લેક રાઈસનું વેચાણ માર્કેટમાં ઓછું હોવાથી શિવમ તેને ઓનલાઇન વેચી સારી કમાણી કરી રહ્યો છે.
કેન્સર સહિતની બીમારીઓ માટે બ્લેક રાઈસ ફાયદાકારક
‘બ્લેક રાઈસ’ વેટ લોસ કરવાથી લઇ લીવરની સફાઈ માટે સૌથી ઉપયોગી બને છે. તેમજ બ્લેક રાઈસમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોવાથી કબજીયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. ધુમ્રપાનની આદત ધરાવતા અથવા હાઈ બ્લડપ્રેસર અને કોલેસટ્રોલની બીમારીઓથી પીડિત લોકોને બ્લેક રાઈસના સેવનથી રકતધમનીઓમાં ફાયદો મળે છે.