પરવટ પાટિયા નજીક રણછોડ નગર સોસાયટીના ગેટ પાસેથી મોટરસાઇકલ પર પુત્ર સાથે જઇ રહેલી માતાના ગળામાંથી રૂા. 37,100 ની સોનાની ચેઇન આંચકીને મોટરસાઇકલ સવાર સ્નેચરો ભાગી ગયા હતા. સ્નેચરોએ ચેઇન આંચકતી વેળા પુત્રએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા માતા રોડ પર પટકાતા ઇજા થઇ હતી. પરવટ પાટિયા સ્થિત ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા અને ખોડિયાર વેલ્ડીંગ વર્કસ નામે ફેબ્રીકેશનનું વર્કશોપ ચલાવતા સંદીપ જયંતિ ઉમરાળીયા (મૂળ રહે. તળાજા, ભાવનગર) ગત રોજ માતા જયાબેનને મોટરસાઇકલ પર બેસાડી કામરેજ જવા નીકળ્યો હતો.
દરમ્યાનમાં ઘર નજીક રણછોડ નગર સોસાયટીના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી બ્લુય કલરની મોટરસાઇકલ પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી એક પાછળ બેસેલા સ્નેચરે જયાબેનના ગળામાંથી રૂા. 31,700 ની મત્તાની સોનાની ચેઇન આંચકી લીધી હતી અને તેઓ મોટરસાઇકલ પુર ઝડપે હંકારી પરવટ પાટિયા તરફ ભાગી ગયા હતા.
ચાલુ મોટરસાઇકલે સ્નેચરોએ સોનાની ચેઇન આંચકતા સંદીપે પોતાની મોટરસાઇકલના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા માતા-પુત્ર રોડ પર પટકાયા હતા. જેમાં માતા જયાબેનને હાથ અને પગમાં ઇજા થતા તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટના અંગે પુણા પોલીસે ફરિયાદ નોંધી સ્નેચરોની ભાળ મેળવવા માટે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.