સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના મુકાદમ દ્વારા મહિલા કામદારોની જાતીય સતામણીની પોલીસ ફરિયાદ થઈ છે. ભોગ બનનાર મહિલા કર્મચારીઓ આજે મહાનગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરવા આવી હતી. સમગ્ર કિસ્સાને જાતીય સતામણી સેલ અને વધુ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગંભીર આક્ષેપો થયા છે તેવા મુકાદમ સામે પગલાં ભરવા નો રિપોર્ટ પણ કમિશ્નરને સોંપવામાં આવ્યો છે.
સુરત પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલના મુકાદમ અશોક વાળંદ સામે આઠ જેટલી મહિલાએ જાતીય સતામણીના ગંભીર આક્ષેપ કર્યા છે. આક્ષેપ કરનાર મહિલાઓ આજે મહાનગરપાલિકા કમિશ્નરને મળવા માટે આવી હતી. રજૂઆત દરમિયાન તેઓએ મુકાદમ સેક્સની માગણી કરતો હોવા સાથે હેરાનગતિ કરી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
એક મહિલાએ આક્રોશપૂર્ણ તરીકે કમિશનરને જણાવ્યું હતું કે જો કે માંગણી નહીં સંતોષાય તો મુકાદમ દ્વારા તેના પતિને ખોટી ચઢામણીથી કરવામાં આવે છે. તેની આવી હરકતને કારણે બે જેટલી મહિલાઓના સંસારમાં આગ લાગી છે.
મહિલા કર્મચારીઓ દ્વારા આવા પ્રકારના ગંભીર આક્ષેપ થતા કમિશનરે તાત્કાલિક આરોગ્ય વિભાગના વડાને બોલાવી લીધા હતા. આ સમગ્ર કિસ્સાને જાતીય સતામણી સેલ પાસે તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે. આ પ્રક્રિયા દરમિયાન આક્ષેપ ગંભીર હોવાથી મુકાદમ સામે કામગીરી કરવા માટેનો રિપોર્ટ પણ કમિશ્નરને સુપ્રત કરી દેવામાં આવ્યો છે.