વિક્રમજનક ચોખ્ખી ખોટ અને જંગી દેવાબોજનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાએ કસ્ટમર્સ ઉપર દાઝ ઉતારી હોય તેમ ટેરિફ રેટ વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારેલા નવા ટેરિફ રેટ 1લી ડિસેમ્બરથી અમલી બનશે. એટલે કે આગામી ડિસેમ્બરથી વોડાફોન આઇડિયાની સેવા મોંઘી થશે અને તેનું અનુકરણ અન્ય ટેલિકોમ કંપનીઓ પણ કરશે. જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વોડાફોન આઇડિયા કંપનીએ રૂ. 50921 કરોડની ચોખ્ખી ખોટ કરી છે, જે ભારતના કોર્પોરેટ ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ત્રિમાસિક ખોટ છે. આ જંગી ખોટનું કારણ એડજેસ્ટ ગ્રોસ રેવન્યૂ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો છે.
જેને પગલે વોડાફોન આઇડિયા સહિત અન્ય ત્રણ ટેલિકોમ કંપનીઓને પણ જંગી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. વોડાફોન આઇડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, પોતાના ગ્રાહકો વિશ્વસ્તરનો ડિજિટલ એક્સપિરિયન્સનો આનંદ ઉઠાવવાનું ચાલુ રાખે તેની ખાતરી કરી વોડાફોન ઇન્ડિયાએ 1લી ડિસેમ્બરથી અમલી બને તે રીતે પોતાના ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
જો કે કંપનીએ ટેરિફ વૃદ્ધિના પ્રસ્તાવમાં કેટલા ટકા કે રૂપિયા સુધીનો વધારો કરાશે તેનો ખુલાસો કર્યો નથી. વોડાફોન આઇડિયાએ કહ્યું કે, હવે પોતાના બિઝનેસ ચાલુ રાખવાની ક્ષમતા સરકાર પાસેથી માંગેલી રાહત અને તેમની પાસેના કાયદાકીય વિકલ્પના સકારાત્મક પરિણામ પર નિર્ભર રહેશે. નોંધનિય છે કે, વોડાફોન આઇડિયા ભારતમાં 30 કરોડ જેટલા સબસ્કાઇબર્સ ધરાવે છે. આજે બીએસઇ ખાતે વોડાફોન આઇડિયાનો શેર માત્ર 79 પૈસા વધીને રૂ. 4.47 બંધ થયો હતો.