પાકિસ્તાનના ભૂતપુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ મંગળવારે સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફતે લંડન રવાના થયા છે. લાહોર હાઈકોર્ટે અનેક બિમારીનો સામનો કરી રહેલા શરીફને ચાર સપ્તાહ માટે વિદેશ જવા મંજૂરી આપી હતી. તેમજ ઈમરાન ખાન સરકારના ક્ષતિપૂર્તિ બોન્ડ પર સહી કરવાની શરતને નકારી હતી. 69 વર્ષના શરીફ સાથે તેમના નાના ભાઈ શહબાજ શરીફ અને તેમના ડોક્ટર અદનાન ખાન પણ લંડન ગયા છે. તેમના માટે અત્યાધુનિક એર એમ્બ્યુલન્સ દોહાથી મંગાવવામાં આવી હતી, જેમા તેઓ લંડન જવા રવાના થયા છે.
પીએમએલએનના પ્રવક્તા મરિયમ ઓરંગઝેબે જણાવ્યું હતું કે શરીફને ઈલાજ માટે લંડનના હાર્લે સ્ટ્રીટ ક્લિનિક લઈ જવામાં આવશે. જો જરૂર પડશે તો અમેરિકા (બોસ્ટન) પણ લઈ જવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે લંડન જતા પહેલા ડોક્ટરોએ શરીફની લાહોરના જટી ઉમરા નિવાસ સ્થાન ખાતે તપાસ કરી હતી અને યાત્રા સમયે તેમના આરોગ્યની સારી સ્થિતિ જાળવી રાખવા માટે સ્ટેઈરોઈડ તથા અન્ય દવાઓના ડોઝ આપ્યા હતા.
એર એમ્બ્યુલેન્સમાં સારવાર માટે અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સમાં ડોક્ટરો તથા તેમની ટીમ પણ ઉપસ્થિત છે. ઈમરાન ખાન સરકારે નવાજ શરીફને ઈલાજ કરાવવા માટે બ્રિટન જવા રૂપિયા 700 કરોડના ક્ષતિપૂર્તિ બોન્ડ જમા કરાવવાની શરત મુકી હતી. પરંતુ શરીફે ઈમરાન ખાન સરકારની માંગ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ એક ગેરકાયદેસર બાબત છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ કે સુપ્રીમોએ કહ્યું હતું કે તે પ્રધાનમંત્રી ખાન રાજકીય લાભ મેળવવા તેમને ફસાવવા માટે આ એક પદ્ધતિ અપનાવી છે. શરીફે સરકારની આ માંગને કોર્ટમાં પણ પડકાર્યો છે. લાહોર હાઈકોર્ટે બોન્ડ જમા કરાવવા અંગે સરકારે મુકેલી શરતને નકારી દીધી હતી અને શરીફને વિદેશ જવાની પરવાનગી આપી હતી.