બ્રિટનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોર્સમાં હવે ઇમોજી પણ ભણાવાશે. કિંગ્સ કોલેજ, એડિનબર્ગ અને કાર્ડિફ સહિતની તમામ યુનિવર્સિટીના ભાષા, માર્કેટિંગ, મનોવિજ્ઞાન અને રાજનીતિના અભ્યાસક્રમમાં ઇમોજી અને કાર્ટુન સામેલ કરાયા છે. લાગણી દર્શાવવા માટે હવે દુનિયાભરમાં શબ્દો કરતા વધુ ઇમોજીનો ઉપયોગ થવા માંડ્યો છે. તજજ્ઞો કહે છે કે ઇમોજી હવે ભવિષ્યની ભાષા બનવા જઈ રહી છે. લોકો હવે શબ્દોની ઓછી પસંદગી કરે છે અને ઇમોજીના માધ્યમથી લાગણી વ્યક્ત કરવાનું પસંદ કરી રહ્યાં છે.
લોકો હવે દુ:ખ વ્યક્ત કરવા ઇમોજીનો ઉપયોગ કરી રહ્યાં છે
જો કે બાળકો ઉપર તેનો દુષ્પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. ઇમોજીના વપરાશનું કારણ તેની ભાષાની પકડ અને વ્યાકરણ નબળું હોવાનું કહેવાય છે. દુનિયાભરના 3178 ઇમોજી પ્રચલિત છે અને 90 કરોડ ઇમોજીનો રોજ ઉપયોગ થઈ રહ્યો છે. બ્રિટનની ઓપન યુનિવર્સિટીના ભાષા વિભાગના વડા ડૉ. ફિલિપ સાર્જન્ટ કહે છે કે ઇમોજીની લોકપ્રિયતાનો ખ્યાલ એ વાત પરથી આવી શકે છે કે લોકો હવે દુ:ખ વ્યક્ત કરવા પણ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. હાલમાં ઝીમ્બાબ્વેના લોકપ્રિય નેતા રોબર્ટ મુગાબેનું અવસાન થયું ત્યારે તેમના પુત્રએ ઇમોજી પોસ્ટ કરી હતી. હવે લોકો લખવાનું પસંદ કરતા નથી. રાજકારણની વાત હોય કે સામાજિક મુદ્દે દરેક વિષય પર ઇમોજી બની છે અને લોકો ઝડપથી તેનો ઉપયોગ કરવા માંડ્યા છે.
17 જુલાઈને વિશ્વ ઇમોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે
10 વર્ષ પહેલા પણ એવી ચિંતા કરાતી હતી કે ઇમોજી ભાષાને બરબાદ કરી રહી છે પરંતુ તેનો વિકાસ જોઈએ તો જણાશે કે 10 વર્ષ પહેલા માત્ર 625 ઇમોજી ચલણમાં હતી અને આજે 3000થી વધુ. ડૉ સાર્જન્ટે કહ્યું કે 2015માં ઓક્સફર્ટ ડિક્શનરીએ વર્લ્ડ ઓફ ધ યર માટે કોઈ શબ્દની પસંદગી કરવાને બદલે ફેસ વીથ ટીયર્સ ઓફ જોયવાળા ઇમોજીને ડિક્શનરીમાં સ્થાન આપ્યું હતું. મતલબ સ્પષ્ટ છે કે તેની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા બંને વધી ગયા છે. 17 જુલાઈને વિશ્વ ઇમોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મનોવિજ્ઞાન, રાજનીતિ અને ભાષામાં તેના પ્રતિક અને અર્થ અભ્યાસનો વિષય બની ગયા છે.
ભારતમાં 5 ઇમોજીમાં આંસુવાળી સૌથી વધુ લોકપ્રિય
ભારતમાં સોશિયલ મીડિયામાં ઇમોજીનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં જ કરાયેલા એક સરવેમાં જણાવ્યું હતું કે ભારતના યૂઝર્સ 5 ઇમોજીનો સૌથી વધુ પ્રયોગ કરે છે. તેમાં ખુશીના આંસુ, આંખોમાં દિલ સાથે હસતો ચહેરો, નમસ્કાર, ખુશી અને દિલની ઇમોજી સામેલ છે. ફેસબુક પર લોકો 2300 અને વોટ્સએપ પર 2500 ઇમોજીનો ઉપયોગ કરે છે.