નવી દિલ્હી : આવતા મહિને 1 ડિસેમ્બરથી, જો કોઈ વાહન નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર FASTag (ફાસ્ટેગ) વગર “ફાસ્ટેગ લેન” માં પ્રવેશ કરે છે, તો તેને ટોલ ટેક્સનો બમણો ખર્ચ કરવો પડી શકે છે. આનો અર્થ એ કે જો તમારી કાર પર FASTag લાગેલું નહીં હોય તો 1 ડિસેમ્બરથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આવતા મહિનાથી ટોલ પ્લાઝા પરની તમામ લેનમાં FASTag સિસ્ટમ ફરજિયાત બનાવશે. તે જ સમયે, એક લેન (દરેક દિશામાં) હાઈબ્રીડ લેનના સ્વરૂપમાં હશે જેથી ચુકવણી ફાસ્ટેગ અને અન્ય પદ્ધતિઓ દ્વારા થઈ શકે.
FASTag એટલે શું?
FASTag રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) ટેગ વાહનની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવશે, જે બેંકના ખાતા સાથે અથવા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીના ચુકવણી વોલેટ સાથે જોડવામાં આવશે. તેને લાગુ કર્યા પછી, જો તમે કાર લો અને ટોલ પ્લાઝા પર જાઓ, તો પછી રોકાવાની જરૂર નથી. ટોલ પ્લાઝા પરનાં કેમેરા તેને સ્કેન કરશે અને તે રકમ આપમેળે તમારા ખાતામાંથી કાપવામાં આવશે. જો કે, આ માટે તે જરૂરી છે કે તમારો FASTag ફરીથી રિચાર્જ કરવામાં આવે. નોંધનીય છે કે, FASTagને મોબાઇલ ફોનની જેમ રિચાર્જ કરી શકો છો.
કેવી રીતે રિચાર્જ કરી શકાય?
FASTagને My FASTag એપ્લિકેશન દ્વારા અથવા નેટબેંકિંગ, ક્રેડિટ / ડેબિટ કાર્ડ, યુપીઆઈ અને અન્ય લોકપ્રિય પદ્ધતિઓ દ્વારા ફરીથી રિચાર્જ કરી શકાય છે. આ સિવાય તમે નજીકના FASTag સેલ્સ સેન્ટર શોધવા માટે www.ihmcl.com લિંક અને નેશનલ હાઇવે હેલ્પલાઇન નંબર 1033 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.