રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ 18 હજાર ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે.
આ સહાય પકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે વરસાદથી નુકસાન નથી થયું તેવા 81 તાલુકાઓમાં પણ સરકારી સહાય ચૂકવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાક વીમા ઉપરાંત સરકારી સહાયનો લાભ મળશે. જેનો ફાયદો રાજ્યના 248 તાલુકાઓને મળશે. રાજ્ય સરકારે જાહેર કરેલા 3,795 કરોડના સહાય પેકેજમાં 2,154 કરોડ કેન્દ્ર અને 1,643 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે. હેક્ટર દીઠ 4 હજારની સહાય કરાશે. આ માટે ઓનલાઈન પણ અરજી સ્વીકારવા અંગે અને સહાયની રકમ ખેડૂતોને સીધી તેમના બેંક ખાતામાં કઈ રીતે મળી જાય તે માટેની વ્યવસ્થા સરકાર ગોઠવી રહી છે, જેની પાછળથી જાણ કરાશે.
ક્યાં કેટલી સહાય
– 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂ. 2,873 કરોડની સહાય અપાશે.
– 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂ. 238 કરોડની સહાય અપાશે.
– છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂ. 684 કરોડની સહાય અપાશે.
આ રીતે સહાય ચૂકવાશે
– એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 9,416 ગામના 28.61 લાખ ખેડૂતો ખાતેદારોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં SDRFના ધોરણ અનુસાર હેક્ટર દીઠ 6800 રૂપિયા સહાય ચૂકવાશે.
– જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ થયો હોય પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલા ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 1,676 ગામના 4.70 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રૂપિયા(વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.
– એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા 1,676 ગામના 5.95 લાખ ખેડૂત ખાતેદારોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા(વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.
– છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા 5,814 ગામના 17.10 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા(વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.