ચોમાસાની ઋતુમાં ગો કરતો ડેન્ગ્યુ આ વર્ષે દિવાળી બાદ પણ બેકાબૂ બની ગયો છે. ઓક્ટોબર અને નવેમ્બર માસમાં શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા 949 દર્દી પૈકી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે બે દિવસમાં ડેન્ગ્યુના અજગરી ભરડામાં 46 દર્દી ઝપેટમાં આવ્યા હતા.
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ સતત વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યૂની ઝપેટમાં આવેલા પાંડેસરામાં રહેતી 29 વર્ષીય ડિમ્પલ દુબઇ તથા પાંડેસરામાં રહેતી 4 વર્ષીય ગૌરી પાંડે અને પાંડેસરાની 15 વર્ષીય રાની કદમ એક માસ પહેલા ડેન્ગ્યુની ઝપેટમાં આવતાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણેના વારાફરતી મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ઓક્ટોબર માસમાં સુરત સહિતના વિસ્તારોમાંથી ડેન્ગ્યુની ઝપેટમાં આવેલા 563 દર્દી અને નવેમ્બર માસમાં 386 દર્દી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ગુરૂવારે ડેન્ગ્યુની ઝપેટમાં 19 દર્દી અને શુક્રવારે ડેન્ગ્યુની લપેટમાં 27 દર્દી આવતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.