દેશભરમાં વધતાં જતાં વાયુ પ્રદૂષણના આંકડાઓ ચિંતાનો વિષય બન્યા છે. આ સમસ્યાને વધારે ગંભીર બનાવે તેવું એક રિસર્ચ યુનાઇટેડ કિંગ્ડમથી સામે આવ્યું છે. ઇન્વેસ્ટિગેટિવ ઓપ્થ્લમોલોજી એન્ડ વિઝયુલ સાયન્સ 2019 નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ અનુસાર વધારે પડતા વાયુ પ્રદૂષણના સંપર્કમા રહેવાથી આંખોની દૃષ્ટિ નબળી પડે છે.
આ રિસર્ચ અનુસાર વાયુ પ્રદૂષકોના સંપર્કમાં વધારે રહેવાથી ગ્લુકોમા (નબળી દૃષ્ટિની એક અવસ્થા જેનાથી અંધત્વ આવે છે) થવાનું જોખમ 6 ગણું વધી જાય છે.
અંધત્વ માટે જવાબદાર કારણોમાંથી એક ગ્લુકોમા છે. દુનિયાભરમાં 6 કરોડ લોકો તેનાથી પ્રભાવિત છે. વધતી જતી ઉંમર અને જિનેટિક કારણોથી ગ્લુકોમા થાય છે. તેના માટે જીવનશૈલી, આંખો પર પડતું દબાણ પણ કારણભૂત છે.
આ રિસર્ચ વર્ષ 2006થી 2010 સુધી 1 લાખથી વધારે વોલન્ટિયર્સ પર કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં તમામ વોલન્ટિયર્સ વાયુ પ્રદૂષકોના સંપર્કમાં કેટલો સમય રહે છે અને કેવા પ્રકારનાં વાયુ પ્રદૂષકોના સંપર્કમાં રહે છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં વોલન્ટિયર્સ વાયુ પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષક PM2.5ના સંપર્કમાં કેટલો સમય રહે છે તેની પણ નોંધ લેવામાં આવી હતી.
રિસર્ચમાં જોવા મળ્યું કે વધારે પડતા પ્રદૂષણના સંપર્કમાં રહેતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ ગ્લુકોમા થવાનું જોખમ 6% વધારે હોય છે.