નવી દિલ્હી : દેશની અગ્રણી ઓટોમેકર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ 63 હજારથી વધુ કાર બજારમાંથી પાછી બોલાવી છે. મારુતિએ આપેલી માહિતી અનુસાર કંપનીએ સલામતીને ધ્યાનમાં રાખીને કિયાઝ, અર્ટીગા અને એક્સએલ 6 ના 63,493 યુનિટ્સ પાછા બોલાવ્યા છે.
મારુતિના જણાવ્યા મુજબ મોટર જનરેટર યુનિટમાં ખામી હોવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. મારુતિ હવે આ કારના મોડેલોની તપાસ કરશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. કંપનીએ 1 જાન્યુઆરી, 2019 થી 21 નવેમ્બર, 2019 સુધીમાં બનાવેલી કારને પરત બોલાવી છે. કારોને પરત બોલાવવાનું વૈશ્વિક અભિયાન 6 ડિસેમ્બર, 2019 થી શરૂ થઈ રહ્યું છે. આ સમાચારોની વચ્ચે, મારુતિના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. શુક્રવારે કારોબારના અંતિમ કલાકોમાં મારુતિનો શેરનો ભાવ 1.79% ઘટીને રૂ. 6880 રહ્યો છે.
તાજેતરમાં જ મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2020 થી તેની કારના ભાવમાં વધારો કરવાની ઘોષણા કરી છે. તાજેતરમાં જ કંપનીએ જણાવ્યું હતું કે કાચા માલના વધતા ખર્ચને કારણે છેલ્લા એક વર્ષમાં કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે, કંપનીએ હજી સુધી તેનો ખુલાસો કર્યો નથી કે કિંમત કેટલી વધારશે.