ગોલ્ફ ક્લબની દિવાલ પાછળ લક્ષ્મીવિલાસ પેલેસના પાછળના ભાગે એક કિલોમીટર દુર આરોપીઓ કિશોરી સાથે ગેંગરેપ ગુજારતા હતા જ્યારે દિવાલની બીજીતરફ પોલીસ તપાસ કરી રહી હતી. આરોપીઓએ યુવકને મારઝુડ કરીને ભગાડી દીધા બાદ તેણે એક મહિલાની મદદથી પોલીસને ફોન કરતા પોલીસ સાત મિનીટમાં પહોંચી ગઈ હતી. પરંતું સાત ફુટ ઉંચી દિવાલ પાછળ ઝાડીમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ પોલીસને આવ્યો ન હતો. જો પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી હોત તો આરોપીઓ તે સમયે જ ઝડપાઈ ગયા હોત. વડોદરાના નવલખી મેદાનમાં કિશોરી તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે લુંટના ઈરાદે આવેલા આરોપીઓએ કિશોરીના મિત્રને ભગાડી મુક્યો હતો.
બાદમાં નરાધમો સગીરાને ઝાડી ઝાંખરાવાળા રસ્તેથી સગીરાને ગોલ્ફ ક્લબની દિવાલ પાસે લઈ ગયા હતા. તેમણે કિશોરીને ઉચકીને સાત ફુટ ઉંચી દિવાલ પરથી સગીરાને બીજીતરફ ફેંકી દીધી હતી. બાદમાં તેઓ પણ દિવાલ કુદીને સગીરા પાસે પહોંચ્યા હતા. સાત ફુટ ઉપરથી ફેંકતા સગીરાને શરીરે બેઠો માર લાગ્યો હતો. બન્ને આરોપીઓ કિશોરીની ખેંચીને લક્ષ્મીવિલાસ પેલેસની પાછળ એક કિલોમીટર દુર લઈ ગયા હતા અને આંબાની વાડીમાં તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી જશો સોલંકીએ કિશોરી પર બે વાર દુષ્કર્મ કર્યું હતું.
પિડીતાના મિત્રને ભગાડી મુકાયા બાદ તેણે ગ્રાઉન્ડમાં હાજર લોકોને બનાવ અંગે જાણ કરી મદદ કરવા ઘણી વિનંતી કરી હતી પરંતું કોઈએ તેની વાતને ગંભીરતાથી લીધી ન હતી. આથી તેણે નજીકમાં રહેતી એક મહિલાના ફોન પરથી પોલીસ કંટ્રોલને ફોન કરતા સાત જ મિનીટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કિશોરી અને તેના મિત્ર નવલખી મેદાનના જે ખુણામાં બેઠા હતા તે આખા વિસ્તારમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી પરંતુ કિશોરી કે આરોપીઓનો પતો લાગ્યો ન હતો. પોલીસે દિવાલની બીજીતરફ પણ તપાસ કરી હોત તો કદાચ આરોપીઓ ઝડપાઈ ગયા હોત.