વાસ્તુ શાસ્ત્રમાં ઘરની હકારાત્મક ઊર્જા વધારવા અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરવાની ટિપ્સ આપવામાં આવી છે. ઘરની દરેક વસ્તુ માટે વાસ્તુશાસ્ત્રમાં શુભ-અશુભ દિશાઓ બતાવવામાં આવી છે. માન્યતા છે કે ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં વાવેલો હોય તો વાતાવરણ હકારાત્મક બની રહે છે અને ધનને લગતા કામોમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. મની પ્લાન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જેનું આપણે હંમેશાં ધ્યાન રાખવું જોઈએ. મની પ્લાન્ટ જેટલો હર્યો-ભર્યો રહેતો હોય, એટલો જ તેને શુભ માનવામાં આવે છે. તેના પાન મુરઝાઈ જવા, પીળા કે સફેદ પ઼ડી જવા અશુભ માનવામાં આવે છે. એટલા માટે તેના ખરાબ પાન તરત જ હટાવી દેવા જોઈએ. મની પ્લાન્ટની વેલીની સારી દેખભાળ કરવી જોઈએ.
મની પ્લાન્ટ ઘરમાં પણ રાખી શકાય છે. મની પ્લાન્ટને પાણીમાં રાખવો તે વધુ સારું માનવામાં આવે છે. તેનું પાણી સમયે-સમયે બદલતા રહેવું જોઈએ. અઠવાડિયામાં એકવાર તેનું પાણી જરૂર બદલવું જોઈએ. મની પ્લાન્ટના છોડને ઘરમાં વાવવા માટે અગ્નિ ખૂણો અર્થાત્ દક્ષિણ-પૂર્વ ખૂણો સૌથી સારો માનવામાં આવે છે. આ દિશામાં આ છોડ વાવવાથી હકારાત્મક ઊર્જા વધે છે. દક્ષિણ-પૂર્વ દિશાનો કારકગ્રહ શુક્ર ગણાય છે. શુક્ર ગ્રહ વેલી અને લતાવાળા છોડવાઓનો પણ કારક માનવામાં આવે છે. શુક્રની દિશામાં આ વેલને વાવવી જોઈએ.
હિન્દુ ધર્મ પ્રમાણે પૂર્વ-દક્ષિણ દિશા ભગવાન ગણપતિની દિશા માનવામાં આવે છે, મની પ્લાન્ટનો છોડ પૈસા, સારા ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘરના આ ખૂણામાં તેને રાખવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. મની પ્લાન્ટને ઈશાન ખૂણામાં કે ઉત્તર-પૂર્વ દિશામાં ન વાવવો જોઈએ. ઈશાન ખૂણાનો કારકગ્રહ બૃહસ્પતિ ગ્રહ છે. શુક્ર અને બૃહસ્પતિ બંને એક-બીજાના શત્રુ ગ્રહ છે. તેને લીધે ઈશાન ખૂણામાં શુક્ર ગ્રહનો છોડ ન વાવવો જોઈએ.
મની પ્લાન્ટના છોડને બુધવારના દિવસે રેવતી નક્ષત્રના દિવસે ઘરમાં લાવો, એવું એટલા માટે કે આ દિવસ પણ વ્યક્તિને શુભ ફળ આપનાર ગણપતિનો દિવસ માનવામાં આવે છે.મની પ્લાન્ટને એવી જગ્યાએ રાખવો જોઈએ, જ્યાં વધુ તડકો ન આવતો હોય, તેને ઘરમાં પણ રાખી શકાય છે. મની પ્લાન્ટને પાણીમાં રાખવો વધુ શુભ ગણાય છે. પૈસાની ખોટને દૂર કરવા માટે તમારે રૂપિયાની નોટના શેપ ધરાવતો છોડ ઘરમાં સાઉથ-ઈસ્ટ દિશામાં વાવવો જોઈએ. જ્યારે દાંપત્ય સુખ પ્રાપ્ત કરવા માટે દિલના શેપ ધરાવતો મની પ્લાન્ટ રાખવો જોઈએ.
રવિવારના દિવસે આ છોડમાં પાણી ન આપવું જોઈએ અને પાણી નાખતી વખતે છોડમાં એક ચમચી દૂધ મેળવી દો, એમ કરવાથી ઘરમાં સુખ આવવાની સાથે જ ધનની ખોટ પણ દૂર થઈ શકે છે. ધનનો સંગ્રહ કરવા માટે જમીન ઉપર ક્યારેય મની પ્લાન્ટને ન ફેલાવા દો, તેનાથી વાસ્તુદોષ વધે છે અને ઘરમાં નકામા ખર્ચાઓ વધી શકે છે. ધનને સંચિત કરવા માટે અને ઘરમાં સુખ-શાંતિ લાવવા માટે મની પ્લાન્ટને કોઈ દોરી કે લાકડીની મદદથી ઉપરની તરફ છોડને બાંધીને રાખવો, તેનાથી તમારા યશ અને ધનમાં વધારો થાય છે એવું વાસ્તુમાં દર્શાવ્યું છે.