ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવાના પરિપત્રનો વડોદરામાં પણ વિરોધ શરુ થયો છે. ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ પરિપત્રનો અમલ નહી કરવામાં આવે તેવુ એલાન કર્યુ છે ત્યારે વડોદરામાં પણ ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષક સંઘે પણ તેની સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે.
શિક્ષક સંઘના મંત્રી હસુમખ પાઠકનુ કહેવુ છે કે, પહેલા સરકાર ખાનગી સ્કૂલોમાં શિક્ષકોના થતા શોષણને અટકાવે અને પછી ઓનલાઈન હાજરી પૂરવા જેવા ગતકડાં અમલમાં મુકે.તેમણે કહ્યુ હતુ કે, ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોને યોગ્ય પગાર નથી અપાતો, સંચાલકો તેમનુ શોષણ કરે છે.બીજી તરફ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો બોગસ હાજરી પૂરીને ટકી રહ્યા છે તો સરકારી સ્કૂલોમાં ઓનલાઈન હાજરી સિસ્ટમની જરુર છે.ખાનગી શાળાઓમાં તો આ એક બોજારુપ નિર્ણય પૂરવાર થશે.ખાનગી સ્કૂલોના શિક્ષકોની બીજી સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરુર છે.
બીજી તરફ વડોદરાની અન્ય એક ખાનગી સ્કૂલના આચાર્યે કહ્યુ હતુ કે, શિક્ષકોની ઓનલાઈન હાજરીનો વડોદરાની ખાનગી સ્કૂલોમાં હજી અમલ શરુ થયો જ નથી.હાજરી પૂરવા પહેલા શિક્ષકોનુ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવુ પડતુ હોય છે.ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનુ રજિસ્ટ્રેશન તો થયેલુ છે પણ ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં તો શિક્ષકોનુ રજિસ્ટ્રેશન પણ બાકી છે.આમ ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં તો આ નિર્ણયનો અમલ કરવામાં બહુ વિલંબ થશે.