ભારતીય રેલવે કેટલાક વિશેષ લોકોને ટ્રેનમાં ટિકિટ બુક કરાવવા પર 75% સુધીની છૂટ આપે છે. આ કેટેગરીમાં વૃદ્ધો અને અપંગો ઉપરાંત અમુક રોગોના દર્દીઓ પણ સામેલ છે. દર્દી પોતાની સારવાર માટે એક શહેરથી બીજા શહેર આવ-જા કરી શકે અને તેમની પર ભાડાનો ભાર થોડો ઓછો પડે એ માટે રેલવે તેમને ટ્રેન ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપે છે. દર્દીઓની સાથે તેમની સાથે મુસાફરી કરતા સહાયક પણ ટિકિટ પર આ છૂટ મેળવી શકે છે.
ડોક્યૂમેન્ટ હોવા જરૂરી
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો તો તમારે ટિકિટ કાઉન્ટર પર બેઠેલા કર્મચારીને કહેવું પડશે કે તમારે કઈ કેટેગરીમાં છૂટ જોઈએ છે. તે તમારી પાસેથી ડોક્યૂમેન્ટ્સ પણ માગી શકે છે, તેથી રોગને લગતા દસ્તાવેજો તમારી પાસે રાખો. તે તમને છૂટ અને તમારી સાથે રહેલા એક સાથી માટે ટિકિટ બનાવીને આપશે. ત્યારબાદ જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરશો તો ટિકિટ ચેકર પણ તમારી પાસે રોગના દસ્તાવેજો માગશે. તેમજ, મુસાફરી કરતાં પહેલાં તમારે સંબંધિત ડોક્ટરનું પ્રમાણપત્ર પણ મેળવવું પડશે.
આ લોકોને પણ લાભ મળશે
- રેલવે દ્વારા થેલેસેમિયા, હાર્ટ અને કિડનીના દર્દીઓને પણ છૂટ આપવામાં આવે છે. થેલેસેમિયાના દર્દીઓ જો ચેકઅપ માટે જાય તો તેઓ વિશેષ છૂટ માટે અરજી કરી શકે છે.
- એ જ રીતે, હાર્ટ સર્જરી અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસના દર્દીને પણ છૂટ મળે છે. તેમને સેકન્ડ ક્લાસ, સ્લીપર, ફર્સ્ટ ક્લાસ, થર્ડ એસી, એસી ચેર કાર અને ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીમાં 50% ડિસ્કાઉન્ટ મળે છે.
- દર્દી સાથે રહેલા એક માણસને પણ આ ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. તેમજ, ટીબી, લ્યુપસ દર્દીને સેકન્ડ ક્લાસ, સ્લીપર અને ફર્સ્ટ ક્લાસમાં 75% સુધીનું કન્સેશન મળે છે. બિન-સંક્રમિત રક્તપિત્ત દર્દીઓને પણ સમાન છૂટ મળે છે.