ઉદ્યોગ મૈત્રી નીતિનો પ્રભાવ: વલસાડના ડહેલીમાં સ્ટ્રાટાનો ૭૭૫ કરોડનો ટર્નઓવર ધરાવતો પ્લાન્ટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના મંત્રથી પ્રેરાઈને અનેક વિદેશી કંપનીઓ હવે ગુજરાત તરફ વળી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે જોવા મળ્યું છે, જ્યાં સ્ટ્રાટા જિયોસિસ્ટમ્સ નામની જાયન્ટ કંપની કાર્યરત થઈ છે. પહેલા અમેરિકામાં કાર્યરત આ એકમ હવે ગુજરાત સરકારની ઉદ્યોગ મૈત્રીપૂર્ણ નીતિઓ અને ટેક્સટાઈલ પોલીસીના લાભ સાથે સ્વદેશી ધરતી પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.
સરકારી સબસીડી અને રોજગારીનું સર્જન
ગુજરાત સરકારના સહયોગથી આ કંપનીને અંદાજે ૩.૪૨ કરોડ રૂપિયાની સબસીડી પ્રાપ્ત થઈ છે, જેનાથી પ્રોજેક્ટને મોટો વેગ મળ્યો છે. સ્ટ્રાટા કંપનીએ ૨૫૦થી વધુ સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડીને આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વનું કામ કર્યું છે. ઉમરગામના ડહેલી ખાતે ૨૫ એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટને કારણે ગ્રામીણ વિસ્તારના યુવાનોને ઘર આંગણે જ વિશ્વ કક્ષાની કંપનીમાં કામ કરવાની તક મળી છે જે વિસ્તારના વિકાસ માટે ગૌરવ સમાન છે.
આયાત પર નિર્ભરતા ઘટી અને નિકાસ વધી
એક સમયે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી જિયોગ્રિડ ટેકનોલોજીની વિદેશથી આયાત કરતું હતું, પરંતુ સ્ટ્રાટાએ આ ઉત્પાદન હવે વલસાડમાં શરૂ કર્યું છે. કંપનીનું ટર્નઓવર ૨૭૦ કરોડથી વધીને હવે ૭૭૫ કરોડ સુધી પહોંચ્યું છે અને ૨૫૦ કરોડથી વધુની નિકાસ વિશ્વના ૪૦થી વધુ દેશોમાં થાય છે. આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું કદમ છે કારણ કે હવે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં ભારતની બનેલી પ્રોડક્ટ વપરાઈ રહી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન
આ કંપનીએ નેશનલ હાઈવે પર ૬૦થી વધુ ફ્લાયઓવરના નિર્માણમાં અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા મોટા પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઉદ્યોગની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા કંપનીએ ડહેલી ગામમાં બે પ્રાથમિક શાળાઓનું આધુનિક સુવિધાઓ સાથે પુનર્નિર્માણ કર્યું છે જેમાં ૪૦૦ બાળકો અભ્યાસ કરે છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કંપની દ્વારા આપવામાં આવતું આ યોગદાન ઉદ્યોગ અને સમાજના સહઅસ્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
શું છે જિયોગ્રીડ ટેકનોલોજીના ફાયદા?
જિયોગ્રીડ એ આધુનિક બાંધકામ ક્ષેત્રે વપરાતી ખાસ પ્રકારની મજબૂત જાળી છે જે રસ્તા, રેલવે અને બ્રિજનું આયુષ્ય વધારે છે. તે જમીનની ભાર વહન કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને પાણી ભરાવાની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. પર્યાવરણને અનુકૂળ એવી આ ટેકનોલોજીથી બાંધકામ ખર્ચમાં ઘટાડો થાય છે અને ટકાઉપણું વધે છે જે દેશના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.


