મોરબીમાં ૧૨ જિલ્લાની ૯૯ આઈ.ટી.આઈના પ્રોજેક્ટ મોડલનું પ્રદર્શન
વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પૂર્વાધરૂપે મોરબી આઈટીઆઈ ખાતે સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ વિભાગની ભવ્ય પ્રોજેક્ટ મોડલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે હવે રાજ્ય કક્ષાના કાર્યક્રમો માત્ર ગાંધીનગર સુધી સીમિત નથી રહ્યા પરંતુ દરેક પ્રદેશમાં વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે આવા રચનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે સ્થાનિક સ્તરે ટેલેન્ટને પ્રોત્સાહન પૂરું પાડે છે.
૧૨ જિલ્લાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા ૮૫ પ્રોજેક્ટ્સ
આ પ્રાદેશિક સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાઓની અંદાજે ૯૯ આઈટીઆઈ સંસ્થાઓમાંથી પસંદગી પામેલા ૮૫ જેટલા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતને બિરદાવતા કહ્યું હતું કે આઈટીઆઈ હવે માત્ર પાઠશાળા નથી પણ આત્મનિર્ભર બનાવતી કાર્યશાળા બની છે. જિલ્લાના ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કોર્ષ ચલાવીને યુવાનોને સીધી રોજગારી મળે તે દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
આધુનિક સ્કીલ લેબ અને ઇકોનોમીમાં ફાળો
ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે રાજ્યભરની આઈટીઆઈને અપગ્રેડ કરવામાં આવશે. આગામી સમયમાં ૧૨૦૦ જેટલી અત્યાધુનિક વોકેશનલ સ્કીલ લેબ બનાવવાનું સરકારનું આયોજન છે. મંત્રીએ ઉમેર્યું હતું કે દેશની ઇકોનોમીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોનો ફાળો સિંહફાળો રહ્યો છે અને મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે વિશ્વ સ્તરે ભારતની ઓળખ બની ચૂક્યો છે.
યુવાનોના ઉત્સાહ અને તંદુરસ્તી પર ભાર
કલેક્ટર કે. બી. ઝવેરી અને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ યુવાનોની કૌશલ્ય શક્તિને પ્રોત્સાહિત કરતા ભવિષ્યમાં વધુ પ્રગતિની કામના કરી હતી. મંત્રી કુંવરજી બાવળીયાએ યુવાનોને માત્ર શિક્ષણ જ નહીં પણ શારીરિક તંદુરસ્તી માટે પોષણયુક્ત આહાર અને નિયમિત કસરત કરવા પર પણ ભાર મૂક્યો હતો. રાજકોટમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ યોજાનાર રિજનલ વાઈબ્રન્ટ સમિટ પહેલા આ સ્પર્ધાએ યુવાનોમાં નવો જોમ અને જુસ્સો ભર્યો છે.
મહાનુભાવોની પ્રેરણાદાયી હાજરી
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી સહિત રાજકોટ, સુરત અને અમદાવાદના આરડીડી અધિકારીઓ અને વિવિધ આઈટીઆઈના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા મોડલ્સ જોઈને મુલાકાતીઓ પ્રભાવિત થયા હતા. સ્વાગત પ્રવચન આરડીડી કે. બી. કણઝારિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને મોરબી આઈટીઆઈના સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવવામાં આવી હતી.



