એક તરફ જ્યાં દેશ નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયાર છે ત્યાં કેન્દ્રીય કર્મચારીઓને વર્ષ પૂરૂ થતાં પહેલાં મોટી ખુશખબર મળી શકે છે. સરકાર લાખો કર્મચારીઓને ન્યૂ યર ગિફ્ટ આપી શકે છે. વિભિન્ન કર્મચારી સંઘ તેવા ક્યાસ લગાવી રહ્યાં છે કે મોદી સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની ભેટ આપી શકે છે. જો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાને મંજૂરી આપી દેવામાં આવે તો કર્મચારીઓની સેલરીમાં પ્રતિ માસ 720 રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. સરકાર વધતી મોંઘવારીને ધ્યાનમાં લેતાં મોઁઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. મહત્વનું છે કે જુલાઇ 2019થી ડિસેમ્બર 2019માં મોંઘવારીમાં વધારો થયો છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વ્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઇ) વધારો કરવામાં આવે છે. જો કે તેમાં કેટલો વધારો આપવો તે સરકાર વધેલી મોંઘવારીના આધારે નક્કી કરે છે. તેવામાં જાન્યુઆરી મહિનામાં સરકાર કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી શકે છે.
અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકે જુલાઇ 2019થી ઓક્ટોબર 2019 સુધીના મોંઘવારીના આંકડા જારી કર્યા છે. ઓક્ટોબર 2019માં આંકડો 325 પર છે. જેનો અર્થ છે કે સપ્ટેમ્બરથી મોંઘવારીમાં 3 અંકનો વધારો થયો છે. આ આંકડાઓને ધ્યાનમાં લેતાં સરકાર મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછા 4 ટકાનો વધારો કરી શકે છે. જણાવી દઇએ કે કર્મચારી લાંબા સમયથી લઘુત્તમ વેતન અને ફિટમેંટ ફેક્ટરમાં પણ વધારાની માંગ કરી રહ્યાં છે. કર્મચારીઓની માગ છે કે લઘુત્તમ વેતનને 18 હજાર રૂપિયાથી વધારીને 26 હજાર રૂપિયા કરવામાં આવે. આ ઉપરાંત વર્તમાન ફિટમેંટ ફેક્ટર 2.57 ગણો છે, જેને 3.68 કરવાની માગ કરવામાં આવી રહી છે. જો કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિને જોતાં સરકાર શું નિર્ણય લેશે, તે આવનારો સમય જ જણાવશે.