ભાસ્કર ક્ષેત્ર તરીકે ઓળખાતું પ્રભાસ પાટણ, ત્રિવેણી સંગમથી ભીમ દેવલ સુધી સૂર્ય આરાધનાનું કેન્દ્ર
પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ માત્ર ભગવાન શિવની આરાધનાનું કેન્દ્ર નથી પરંતુ પ્રાચીન કાળથી તે સૂર્ય ઉપાસનાનું પણ એક અદ્રિતીય સ્થાન રહ્યું છે. પુરાણોમાં આ ક્ષેત્રને ભાસ્કર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે કારણ કે અહીં સૂર્યદેવ પોતાની પૂર્ણ તેજસ્વી કળાઓ સાથે પ્રકાશિત થતા હતા. માન્યતા છે કે સૂર્યદેવે પોતાની ૧૬ કળાઓમાંથી ૧૨ કળાઓ આ ક્ષેત્રના વિવિધ સૂર્ય મંદિરોને અર્પણ કરી હતી. આજે પણ આ વિસ્તારમાં અનેક પૌરાણિક સૂર્ય મંદિરોના અવશેષો જોવા મળે છે જે ભારતની ભવ્ય વિરાસત અને સનાતન સંસ્કૃતિની સાક્ષી પૂરે છે.
ત્રિવેણી સંગમ અને શીતળા માતા પાસેના મંદિરો
પ્રભાસ પાટણમાં શારદા મઠની પાછળ ત્રિવેણી સંગમ નજીક એક ભવ્ય સૂર્ય મંદિર આવેલું છે જે વલભી કાળનું હોવાનું મનાય છે. આ મંદિર તેની વિશિષ્ટ સ્થાપત્ય શૈલી અને સૂર્ય કુંડને કારણે પ્રખ્યાત છે. તેવી જ રીતે શીતળા માતાના મંદિર પાસે આવેલું નાગરાદિત્ય સૂર્ય મંદિર ૧૩મી સદીની શિલ્પકળાની ગવાહી આપે છે. પૌરાણિક કથા મુજબ દ્વારકાથી આવેલા સત્રાજીતે સૂર્યની ઉપાસના કરી સ્યમંતક મણી મેળવ્યા બાદ અહીં સૂર્યદેવની સ્થાપના કરી હતી. આ મંદિરો આજે પણ ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બની રહ્યા છે.
સોલંકી કાળની સ્થાપત્યકળા અને પ્રશ્નાવાડાનું મંદિર
કોડીનાર માર્ગ પર આવેલા પ્રશ્નાવાડા ગામમાં સોલંકી કાળનું એક સુંદર સૂર્ય મંદિર આવેલું છે જે પૂર્વાભિમુખ છે. આ મંદિરના ગર્ભગૃહ અને રંગમંડપની જાળીઓમાં વનસ્પતિ અને પશુઓનું ઝીણવટભર્યું નકશીકામ જોવા મળે છે. મંદિરના થાંભલાઓ નીચેથી ચોરસ અને મધ્યમાં અષ્ટકોણીય છે જે સોલંકી શાસનકાળની વિશેષતા દર્શાવે છે. અહીં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર નવગ્રહની પટ્ટિકા અને મધ્યમાં ગણેશજી બિરાજમાન છે જે દર્શાવે છે કે આ મંદિર મૂળ ૮મી કે ૯મી સદીનું હશે અને બાદમાં તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હશે.
ભીમ દેવલ અને મૂળ પ્રાચીના રક્ષિત સ્મારકો
તાલાલા માર્ગ પર ભીમ દેવલ ગામમાં ૯મી સદીનું એક વિશાળ સૂર્ય મંદિર આવેલું છે જેને રાજ્યના પુરાતત્વ વિભાગે રક્ષિત સ્મારક જાહેર કર્યું છે. આ મંદિરના પ્રવેશદ્વાર પર સૂર્યદેવની પત્નીઓ રાજ્ઞી અને નિક્ષુભાની મૂર્તિઓ સ્વાગત મુદ્રામાં જોવા મળે છે. તેવી જ રીતે આજોઠા ગામમાં સ્થિત મૂળ પ્રાચીનું મંદિર પણ ૧૧મી સદીની શિલ્પ શૈલીનો નમૂનો છે. અહીંના મંદોવર પર કંડારેલી સૂર્યની મૂર્તિઓ ઇતિહાસકારો માટે સંશોધનનો વિષય છે. આ તમામ સ્થળો સોમનાથની આસપાસ સૂર્ય સંસ્કૃતિના અસ્તિત્વની સાક્ષી પૂરે છે.


