કતારગામ પોલીસ મથકમાં ગત બપોરે એક યુવાને આવી પોતાની ઓળખ ગાંધીનગર ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવતો હોવાની આપી મિત્રની અરજી અંગે ભલામણ કરી હતી પરંતુ તેના ઉપર શંકા જતા તેની પુછપરછ કરી તો તે બોગસ પોલીસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વરાછાના બેકાર યુવાન વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની પાસેથી નકલી આઈકાર્ડ અને પીએસઆઇનો યુનિફોર્મ કબ્જે કર્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત બપોરે પોણા 2 વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ મથકના પહેલા માળે એક યુવાન આવ્યો હતો અને પોતાની ઓળખ ગાંધીનગર ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હોવાની આપી મિત્રના એટીએમ કાર્ડની અરજી અંગે ભલામણ કરી હતી. જોકે, ત્યાં હાજર પોલીસ જવાનોને સાદા કપડામાં આવેલા યુવાન ઉપર શંકા જતા તેની પુછપરછ કરતા તે બોગસ પોલીસ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે તેણે બતાવેલા આઇકાર્ડને ચકાસતા તે પણ નકલી હતું. પોલીસે મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા બોમ્બે માર્કેટ પાસે લક્ષ્મીનગર સોસાયટી મકાન નં.195 માં રહેતા અને હાલ બેકાર 23 વર્ષીય કિશન અશોકભાઈ જેતાણી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.પોલીસને તેના મોબાઈલ ફોનમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરેલા ફોટા પણ મળતાં પોલીસે યુનિફોર્મ કબ્જે કર્યો હતો.