વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર સુવર્ણ વૈભવ સાથે નવા શિખરે
ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન શ્રી સોમનાથ મંદિરનો વૈભવ વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા આયામો સર કરી રહ્યો છે. વર્તમાન સમયમાં સોમનાથ મંદિરના શિખર પર ૧૫૦૦થી વધુ કળશ સોનાથી મઢવામાં આવ્યા છે જે મંદિરની દિવ્યતામાં વધારો કરે છે. મંદિરનું ગર્ભગૃહ, શિવલિંગ પરનું છત્ર, ગર્ભગૃહના દ્વાર અને સ્તંભો તેમજ શિખર પરનો ધ્વજદંડ અને ત્રિશૂળ પણ સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. આ સુવર્ણમય આભા સોમનાથના પુનર્જીવિત થયેલા ઐતિહાસિક વૈભવની સાક્ષી પૂરે છે.
પુરાણોમાં વર્ણિત ઐશ્વર્યની પુનઃ સ્થાપના
ઇતિહાસકાર ભાસ્કરભાઈ વૈદ્યના જણાવ્યા અનુસાર પુરાણો અને ઐતિહાસિક ગ્રંથોમાં સોમનાથની જે સમૃદ્ધિનું વર્ણન છે તે હવે વાસ્તવિકતા બની રહી છે. પ્રાચીન સમયમાં સોમનાથ મંદિર રત્ન જડિત સ્તંભો અને સોનાની ભારે સાંકળો તેમજ ઘંટથી ઝળહળતું હતું જેનો ઉલ્લેખ કનૈયાલાલ મુનશીએ પણ તેમના પુસ્તકોમાં કર્યો છે. ભગવાન સોમનાથ માટે ખાસ કાશ્મીરથી કેસરના ફૂલો અને હરિદ્વારથી ગંગાજળ લાવવાની પરંપરા રહી છે. હવે ફરી એકવાર તે જ પૌરાણિક મહત્વને જાળવી રાખીને મંદિરને ભવ્ય બનાવવામાં આવી રહ્યું છે.
દાતાઓના સહયોગથી સુવર્ણમય બનતું ધામ
સોમનાથ મંદિરને સુવર્ણમય બનાવવાની શરૂઆત નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ થઈ હતી. વર્ષ ૨૦૦૨માં રાજકોટના એક પરિવાર દ્વારા ૭૫ કિલોની સુવર્ણ થાળી અર્પણ કર્યા બાદ લખી પરિવાર સહિત અનેક શિષ્ટિઓ અને શિવભક્તોએ સોનાનું દાન આપવાની પરંપરા શરૂ કરી હતી. સોમનાથ ટ્રસ્ટની સુવર્ણ કળશ યોજના દ્વારા આજે અસંખ્ય દાતાઓના સહયોગથી મંદિરના કળશો સોનાથી મઢવામાં આવ્યા છે જેના કારણે મંદિરના શિખરની દિવ્યતા અનેકગણી વધી ગઈ છે.
યાત્રિકો માટે આધુનિક સુવિધાઓનો વિકાસ
વડાપ્રધાનના વિઝનથી સોમનાથ તીર્થક્ષેત્રમાં માત્ર ધાર્મિક જ નહીં પણ માળખાકીય સુવિધાઓનો પણ અભૂતપૂર્વ વિકાસ થયો છે. સમુદ્ર કિનારે બનાવવામાં આવેલો ભવ્ય વોક-વે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શ્રદ્ધાળુઓ માટે સુલભ દર્શન વ્યવસ્થા અને સિનિયર સિટિઝન માટે ગોલ્ફ કાર જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ વિકાસ કાર્યોથી સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પણ વિશ્વ કક્ષાના આધ્યાત્મિક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.

