મુંબઈ : ‘ઇન્ડિયન આઇડોલ’ માં ન્યાયાધીશની ભૂમિકા ભજવનારી નેહા કક્કર ઘણીવાર ઈમોશનલ થઇ જાય છે. આ બાબતે કપિલ શર્માના શોમાં કૃષ્ણા અભિષેકે નેહાની મજાક ઉડાવી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નેહા કક્કર અને તેનો ભાઈ ટોની અને બહેન સોનુ કક્કર આ સપ્તાહના અંતમાં ‘કપિલ શર્મા શો’ પર આવી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં નેહા કક્કરને કપિલ શર્મા પૂછે છે કે, જે દુકાનની લાઈનમાં બેસીને તું રેશન ખરીદતી હતી, તે જ દુકાનના ગલ્લા પર બેસીને કેવું લાગે છે? આ સાંભળી નેહા મોટેથી હસવા લાગે છે. આ પછી નેહાને કૃષ્ણા અભિષેક કહે છે કે, તે ‘ઈન્ડિયન આઇડોલ’ની અર્ચના પૂરણ સિંહ છે. કપિલના શોમાં અર્ચના હાસ્યથી પૈસા કમાય છે, જ્યારે ‘ઈન્ડિયન આઇડોલ’માં નેહા રડી – રડીને પૈસાની કમાણી કરે છે.
નોંધનીય છે કે, થોડા મહિના પૂર્વે નેહા કક્કર હિમાંશ કોહલી સાથેના તેના સંબંધો વિશે ઘણી ચર્ચામાં હતી. તેમણે હિમાંશ કોહલીને કેટલાક વર્ષો સુધી ડેટ કર્યો હતો અને અચાનક જ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું. આ સંબંધના ભંગાણની નેહા પર ભારે અસર પડી. આ પછી, નેહા ઘણીવાર ઈમોશનલ થઈ જાય છે.