અકસ્માત કે ઈમરજન્સીમાં આવતા દર્દીઓનો જીવ બચાવવા માટે એક એક સેકન્ડ મહત્વપૂર્ણ હોય છે તેવા સમયે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની બહાર 100 ફૂટ દૂર બેરીકેડ મૂકી રસ્તો બંધ કરી દેતા દર્દી અને તેના સંબંધીઓ હાલાકી વેઠી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી સ્મીમેરના ઈમરજન્સી વિભાગની બહાર અંદાજિત 100 ફૂટ દૂર બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે એમ્બ્યુલન્સ આવે એટલે બેરીકેડને સિક્યુરિટીગાર્ડ રસ્તો ખુલ્લો કરે છે. બાદમાં એમ્બ્યુલન્સ ઈમરજન્સી વિભાગના ગેટ પાસે પહોંચે છે. આ ઉપરાંત રિક્ષામાં કે પ્રાઈવેટ વાહનમાં સારવાર માટે દર્દીને સ્મીમેરના ઈમરજન્સી વિભાગમાં લવાતા હોય છે. આ દર્દીઓને બેરીકેડથી રસ્તો બંધ હોવાથી 100 ફૂટ દૂર ઉતરવું પડે છે બાદમાં કેટલીકવાર ત્યાંના કર્મચારી સ્ટ્રેચર લઈને લેવા જાય છે તો કેટલાક દર્દીઓ જાતે ચાલીને ઇમરજન્સી વિભાગમાં જતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને કારણે કેટલાક દર્દીઓ અને તેમના સંબંધીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે ઈમરજન્સી વિભાગની બહાર ખાનગી વાહનોમાં ટુ વ્હીલ અને ફોર વ્હીલ કે રિક્ષાચાલકો રસ્તો બ્લોક કરી દેતા હતા. જેને કારણે દર્દીઓનેઆવવામાં તકલીફ પડતી હતી. આવા સંજોગોમાં ઈમરજન્સી વિભાગમાં આવતા તકલીફ નહીં પડે તે માટે બેરીકેડ મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા અને વિવિધ તકલીફોના લીધે ગંભીર હાલતમાં ગયેલા દર્દીઓને ઇમરજન્સી વિભાગમાં શરૂઆતમાં ડૉક્ટર દ્વારા યોગ્ય સારવાર આપવાથી જીવ બચી જાય છે અને દર્દીનો જીવ બચાવવા માટે એક એક સેકન્ડ પણ મહત્વની હોય છે કે ગોલ્ડન અવર્સમાં ગંભીર દર્દીઓને ઈમરજન્સી વિભાગમાં પહોંચતા વાર લાગે છે કારણકે ઈમરજન્સી વિભાગની બહાર બેરિકેડ રસ્તો બંધ કરી દેતા દર્દીઓને હાલાકી વેઠી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.