ડુમસ રોડના ભીમપોર ગામ સ્થિત વુપ ટ્રમ્પોલાઇન પાર્કમાં ત્રણ મહિના અગાઉ પૂર્વે ફોટો શુટ માટે આવનાર દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફીટનેસ ટ્રેનર શ્વેતા મહેતાને પીટ જમ્પ અને ટાવર જમ્પ દરમ્યાન ગરદનના ભાગે પાંચ ફ્રેકચર અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ ડુમસ પોલીસ મથકમાં નોંધાઈ છે. ગંભીર રીતે ઘવાયેલી ફીટનેસ ટ્રેનરે તેના હોમ ટાઉન હરિયાણાના ફતેહાબાદમાં નોંધાવેલી ફરિયાદ ડુમસ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. હરિયાણાના ફતેહાબાદના કેનલ કોલોનીમાં રહેતી અને દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફીટનેસ ટ્રેનર શ્વેતા જનકરાજ મહેતાએ શહેરના ડુમસ રોડ સ્થિત ભીમપોર ગામના વુમ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલક કપિલ નંદવાણી (રહે. કેથોલીન નજીક, ભીમપોર), રજત મહેન્દ્ર, ઇન્દ્ર પુનયાની અને વિકાસ ડાંગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે આઇટી પ્રોફેશનલ શ્વેતા મહેતા અત્યારે દેશની જાણીતી ફીટનેસ ટ્રેનર છે. વર્ષ 2015માં જેરાઇ વુમન્સ ફીટનેસ મોડેલ રનર અપ રહેનાર શ્વેતા વર્ષ 2016માં જેરાઇ વુમન્સ ફીઝીક્સમાં વિનર થઇ હતી. ઉપરાંત વર્ષ 2017માં એમટીવી રોડ્ડીસ રાઇઝીંગ વિનર રહેવાની સાથે બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ 2016માં ઇન્ડિયા વતી રિ-પ્રેઝન્ટ કરનાર શ્વેતા મહેતા તેની માર્કેટીંગ ટીમ સાથે તા. 5 સપ્ટેમ્બરના રોજ ભીમપોરના વુપ ટ્રમ્પોલાઇન પાર્કમાં ફોટો શુટ માટે આવી હતી.
એક દિવસના ફોટો શુટના શીડયુલ્ડ દરમ્યાન શ્વેતાની મુલાકાત વુપ ટ્રમ્પોલાઇન પાર્કના માલિક સાથે થઇ હતી અને તેમણે બીજા દિવસે પણ ફોટો શુટ અને અધર એક્ટીવીટી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે શ્વેતાએ પાર્કનું ઉદ્ઘાટન બાકી હોવાથી એક્ટીવીટી કરવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ પાર્કના માલિકે પાર્ક સંપૂર્ણ તૈયાર છે અને સુરક્ષિત પણ છે તેમ કહી પાર્કના પીટ જમ્પ અને ટાવર જમ્પ પર એક્ટિવીટી કરવાનો આગ્રહ કર્યો હતો. જેથી બીજા દિવસે પીટ જમ્પ અને ટાવર જમ્પ કર્યુ હતું.
શ્વેતાએ જમ્પ કરતા વેંત જમ્પ બેગના રેકઝીનના નાના બ્લોક ખસી જતા માથું જમીન પર અથડાયું અને ગંભીર ઇજા થઇ હતી. જેથી શ્વેતાને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ તેના હોમ ટાઉન ફતેહાબાદ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં શ્વેતાના ગરદનના ભાગે પાંચ ફ્રેકચર અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી હાલ પથારીવશ શ્વેતાએ વતન ફતેહાબાદમાં વુપ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલકો વિરૂધ્ધ સલામતીના અભાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડુમસ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.