સચીન જીઆઇડીસી વિસ્તારમાં કૈલાશ નગર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમ્યાન મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ કબ્જે લીધેલી સ્પેલન્ડર મોટરસાઇકલ ચોરી કરવા ઉપરાંત ટ્રાફિક દંડ વસુલવા માટે આપવામાં આવેલી રસીદમાં ખોટુ નામ-સરનામું લખાવનાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. શહેર પોલીસની ટ્રાફિક શાખામાં રીજીયન 3ના સર્કલ 9ના પો. ઇ એલ.જી ખરાડી ગત સાંજે 5.30 કલાકે સ્ટાફ સાથે સચીન જીઆઇડીસી વિસ્તારના કૈલાશ નગર ચોકડી પાસે ટ્રાફિક નિયમન ઉપરાંત વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે સ્પેલન્ડર નં. જીજે-5 એસઝેડ-1855 ને અટકાવી ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના ડોકયુમેન્ટ્સની માંગણી કરી હતી. સ્પેલન્ડર ચાલકે પોતાની પાસે એક પણ ડોકયુમેન્ટ્સ નહિ હોવાનું જણાવતા દંડ પેટે રૂા. 2500 ભરવાનું કહ્યું હતું.
ચાલકે પોતાની પાસે પૈસા નહિ હોવાનું કહેતા ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ મોટરસાઇકલ ડિટેઇન કરી જમા લીધી હતી અને આરટીઓ મેમો આપવામાં આવ્યો હતો. જેમાં ચાલકે પોતાનું નામ શિવકુમાર દામોદાર રાણા (રહે. બાલાજી 156, પાંડેસરા) લખાવ્યું હતું. પોલીસ ટીમ સ્પેલન્ડર મોટરસાઇકલ જમા લઇ તેને રોડ સાઇડ પર પાર્ક કરી દીધી હતી અને ટ્રાફિક નિયમનની કામગીરીમાં વ્યસ્ત થઈ ગઈ હતી. સાંજે 7.30 કલાકે પોલીસે ડિટેઇન કરેલી સ્પેલન્ડર મોટરસાઇકલ ગોડાઉન ખાતે લઇ જવા માટે તજવીજ કરી હતી પરંતુ મોટરસાઇકલ નજરે નહિ પડતા પોલીસ ચોંકી ગઇ હતી અને શોધખોળ કરી હતી પરંતુ મોટરસાઇકલ મળી ન્હોતી.
જેથી પોલીસે તુરંત જ મોટરસાઈકલ ચાલક શિવકુમારને આરટીઓ મેમોમાં જે મોબાઇલ નંબર લખાવ્યો હતો. તેની પર કોલ કરતા તેણે કહ્યું હતું કે હું મારી મોટરસાઇકલ લઇ આવ્યો છું એમ કહી ફોન કટ કર્યા બાદ બંધ કરી દીધો હતો. જેથી તુરંત જ પોલીસ ટીમે શિવકુમારે લખાવેલા પાંડેસરા બાલાજી ખાતેના સરનામા પર તપાસ કરી હતી પરંતુ ત્યાં આવી કોઇ વ્યક્તિ રહેતી નહિ હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસે કબ્જે લીધેલી મોટરસાઇકલ ચોરી જવા ઉપરાંત ખોટું નામ-સરનામું લખાવનાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.