શહેરમાં પાર્કિંગ માટે વિષેશ જગ્યા નહીં હોવાથી સાંકડા રોડમાં ચાલવાનું પણ મુશ્કેલ, તહેવારો દરમ્યાન તો લોકો તોબા પોકારી ઉઠે છે. વલસાડ શહેરમાં વર્ષો થી ટ્રાફિક નો પ્રશ્ન વિકટ બન્યો છે અને અગાઉના આડેધડ પાર્કિંગ છોડ્યા વગરના બાંધકામો પણ કારણભૂત છે ત્યારે હવે અહીં માથાદિટ વાહનો ની સંખ્યા વધતા પાર્કિંગ ની સમસ્યા ઉભી થઇ છે. પરિણામે વલસાડમાં ટ્રાફિક ની સમસ્યા દિનપ્રતિદિન વધતી જઇ રહી છે અને જ્યારે તહેવારો હોય ત્યારે બજારમાં ક્યાં ચાલવું તે પણ સમજાતું નથી અને લોકો ત્રાસી ઉઠ્યા છે પરંતુ આ માટે જવાબદાર કોણ તેનો કોઈની પાસે જવાબ જ નથી. શહેર ના મુખ્યમાર્ગ એવા બેચર રોડ અને ધરમપુર રોડ પર ખાનગી વાહનો અને રિક્ષા છકડા ગમે ત્યાં વાહન પાર્ક કરી દેવાતાં ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે તેમજ દશેરા ટેકરીથી રેલવે ઓવરબ્રિજ સુધીના દોઢ કિમી માર્ગ પર ગમે ત્યાં ખાનગી વાહનો અને રિક્ષા છકડા પાર્ક કરી દેવાતાં ટ્રાફિક સર્જાય છે અહીં સામાન્ય લોકોને આ રોડ પરથી પસાર થવું દૂષ્કર બન્યું છે.
ધરમપુર ચોકડી અને અતુલ તરફથી આવતા વાહનો વલસાડ સાઇલીલા મોલ પાસેના રેલવે ઓવરબ્રિજ થઇને શહેરમાં પ્રવેશે છે. જ્યારે બીજી તરફ લીલાપોર,ડુંગરી પંથકના ગામના વાહનો વલસાડના દશેરા ટેકરીથી શહેરમાં પ્રવેશ કરે છે.આ તમામ ટ્રાફિકથી ભરચક રહેતો વલસાડ બેચર રોડ અને ધરમપુર રોડ સહિત કુંડી ફાટક સુધીના વિસ્તારનો રોડ ફોરલેન કરાયો હોવા છતાં ખાનગી વાહનો અને રિક્ષા જેવા નાના વાહનો રોડ ઉપર ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવતાં ટ્રાફિક ની સમસ્યા કાયમી બની ગઈ છે.
વલસાડ શહેરના કલ્યાણબાગ સર્કલથી ડીએસપી કચેરી સુધીના માર્ગ પર સેશન્સ કોર્ટ,મામલતદાર કચેરી,જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા સેવા સદન-1ની બહુમાળી કચેરીમાં દરરોજ વલસાડ શહેર તથા વિવિધ ગામોમાંથી અરજદારોની સતત અવરજવર રહે છે.આ રોડ પર આડેધડ પાર્કિંગના કારણે રોડ ક્રોસ કરતાં રાહદારીઓ અને પસાર થતાં વાહનોને રોડ પરથી પસાર થવા મોટું જોખમ ઉઠાવવું પડે તેવી સ્થિતિ છે.
શહેર ના બેચર રોડ અને ધરમપુર રોડને પહોળો કરાયા બાદ પણ બાજૂને અડીને જ ખાનગી વાહનો તથા નાના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવે છે જેથી છાશવારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતાં વાહનચાલકોના સમયનો વેડફાટ થાય છે . વલસાડ ના સરાઉન્ડ ગામોમાંથી શહેરમાં પ્રવેશતા બેચર રોડ અને ધરમપુર રોડ વિસ્તારમાં લારીઓ વાળા પણ ટ્રાફિકને અવરોધરૂપ બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે ખાસ કરીને વાહનચાલકો, રાહદારીઓ ને રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.