સુરત પોલીસે રિમાન્ડ પર લઈ ફ્રોડ કેસ ની તપાસ શરૂ કરી. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં કરોડો નું કરી નાખનાર સમૃધ્ધ જીવન ગ્રુપના એમડીની સુરત પોલીસે ધરપકડ કરતા પૈસા ગુમાવનાર લોકોમાં નવી આશા નું કિરણ જાગ્યું છે , કરોડોનું ફુલેકું ફેરવવાના કેસમાં તપાસ કરવા વલસાડ પોલીસ દ્વારા પણ લાવવામાં આવે તેવી એજન્ટોમાં ચર્ચા થઇ રહી છે. વલસાડ ખાતે સમૃધ્ધ જીવન મલ્ટીપર્પઝ કો.ઓપરેટિવ સોસાયટી લિ.નામે ઓફિસ ખોલીને નાના મોટા લગભગ 1 લાખ જેટલા એજન્ટો ની નિમણૂક કરીને બચત યોજનાની લાલચ આપી કરોડોનું ફુંલેકું ફેરવી તાળા મારી રાતોરાત અદ્રશ્ય થઈ જઈ ને બુચ મારવાના કેસ ના મુખ્ય સંચાલક ચીફ એમડીની સુરત પોલિસે ધરપકડ કરતા વલસાડના રોકાણકારો અને બચતકારોમાં નવી આશા જાગી છે.
વિગતો મુજબ વલસાડમાં સ્ટેશન રોડ પર ટ્રેડ સેન્ટરમાં સમૃધ્ધ જીવન મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી લિ.નામે 2007માં ઓફિસ ખોલી વલસાડ, વાંસદા, ધરમપુર સહિત જિલ્લામાં ગામેગામ આ સોસાયટીએ એજન્ટો નિમીને લોકોને બચત યોજનાની લોભામણી વાતો કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા હતા.જેમાં નોકરીયાતોએ મહેનતની બચતના નાણાં સમૃધ્ધ જીવનમાં રોક્યા હતા ,એજન્ટો મારફત નાણાંની નિયમિત બચત જમા કરાવી હતી. પરંતુ 2016માં આ ચીટરો એ રાતોરાત ઓફિસ બંધ કરી પોબારા ભણી ગયા હતા અને આ બાબતે હેડ ઓફિસ પૂના ખાતે સંપર્ક કરતાં છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. રોકાણકારોને નાણાં પરત ન મળતા સપ્ટેમ્બર-2019માં એજન્ટોએ કલેકટરને આવેદન આપી બચતના રોકેલા નાણાં પરત ન કરનાર સમૃધ્ધ જીવનસોસાયટી વિરૂધ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા માગ કરી હતી. જો કે સુરત પોલિસે સમૃધ્ધ જીવન ગ્રુપના ચીફ એમડી મહેશ કિશન મોતેવારની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે.જે મામલે વલસાડના એજન્ટોમાં પણ જિલ્લામાં કરોડોનુ ફુલેકું ફેરવનાર આ આરોપીને તપાસ અર્થે લાવવા માગ ઉઠી છે.