નવી દિલ્હી : ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કૃષ્ણમાચારી શ્રીકાંતને આ વર્ષે બીસીસીઆઈ એવોર્ડ્સમાં પ્રતિષ્ઠિત સી. કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને પણ 2019 એવોર્ડમાં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવશે. બીસીસીઆઈનો વાર્ષિક એવોર્ડ સમારોહ 12 જાન્યુઆરીએ મુંબઇમાં ઓસ્ટ્રેલિયા સામે 14 મી જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સિરીઝ પહેલા યોજાશે.
બીસીસીઆઈના સૂત્રોએ ગુપ્તતાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટમાં ફાળો આપવા બદલ શ્રીકાંત અને અંજુમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવશે. બીસીસીઆઈના દરેક વ્યક્તિ માને છે કે તેઓ આ એવોર્ડ માટે યોગ્ય પસંદગી છે. ”શ્રીકાંતે 1981 થી 1992 દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એસ. વેંકટારાઘવન અને રવિચંદ્રન અશ્વિન સાથે તે તમિળનાડુ ક્રિકેટના ટોચના ક્રિકેટરોમાં છે.
અંજુમને મિતાલી રાજ પહેલા ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા બેટ્સમેન માનવામાં આવતી હતી. તેણે 12 ટેસ્ટમાં 548 રન બનાવ્યા હતા. આ સિવાય અંજુમે 127 વનડે મેચ પણ રમી હતી જેમાં તેણે એક સદી અને 18 અડધી સદી ફટકારી હતી. તેણે 18 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી.