ઉધના વિસ્તારમાં રહેતા ડીજીવીસીએલ કંપનીના કન્સલટીંગ એજન્ટને બજાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજોએ ફાઇલ ચાર્જ અને બેંક એકાઉન્ટ લીંક કરવા સહિતના અલગ-અલગ ચાર્જીસના નામે 4.39લાખ પડાવી લીધાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ડિજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ઓનલાઇન ઠગાઇની વધી રહેલા કિસ્સા વચ્ચે વધુ એક પોલીસ ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાય છે. ડીજીવીસીએલના કન્સલટીંગ એજન્ટ પરેશ બાબુભાઇ પટેલ (રહે. શિવપાર્ક એપાર્ટમેન્ટ, ન્યુ આર્શીવાદ પાર્ક સામે, ભાઠેના-ઉધના) પર ગત તા. 20મે ના રોજ મોબાઇલ નં. 8929277189 પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે બજાજ ફાયનાન્સ કંપનીમાંથી અરવિંદ શુક્લા બોલે છે એમ કહી લોન અપાવવાની વાત કરી હતી.
પરેશને પૈસાની જરૂર હોવાથી લોન માટે જરૂરી પાન કાર્ડ, આધારકાર્ડ સહિતના પોતાના ડોકયુમેન્ટ્સ અરવિંદે જણાવેલા મેઇલ આઇડી પર મોકલાવ્યા હતા. ત્યાર બાદ અરવિંદે રૂા. 3 લાખની લોન અપાવવાની લાલચ આપી ચંદ્રપ્રકાશ ગુપ્તા નામની વ્યક્તિ સાથે ફોન નં. 7838847630 પર વાત કરાવી હતી. ત્યાર બાદ ભેજાબાજોએ બજાજ ફાયનાન્સ કંપનીના અધિકારી તરીકે સુરેશ ભાદામી સાથે વાતચીત કરાવી ફાઇલ ચાર્જ પેટે 8850, જીએસટી ટેક્ષ પેટે રૂા. 54 હજાર, બેંક એકાઉન્ટ ઓનલાઇન લીંક કરવાના ચાર્જ પેટે 30 હજાર ભરાવ્યા હતા.લોન મેળવવાની લાલચમાં ભેજાબાજોની ચુંગાલમાં ફસાયેલા પરેશ પર ઠગબાજોએ લોનના 4,85,700ની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયાનો મેસેજ પણ મોકલાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ એકાઉન્ટ નંબરમાં ભુલ થઇ છે એમ કહી લોન કલોઝીંગની રકમ રીફંડ આપવાનું કહી વધારેના 73 હજાર અને લોનની ફાઇલ ફરીથી તૈયાર કરવાનું કહી સી. એ રાહુલ તિવારીના ખાતામાં રૂા. 45 હજાર અને લોન ફાઇનલ કરવાના નામે 52,800 ની રકમ ભરાવી હતી.
આ ઉપરાંત પણ અલગ-અલગ રકમ ભેજાબાજોએ ગુગલ પે અને એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેનાર અરવિંદ, ચંદ્રપ્રકાશ, સુરેસ અને રાણા નામની વ્યક્તિ વિરૂધ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.