વોશિંગટન : લોકપ્રિય ચાઇનીઝ વિડિઓ એપ્લિકેશન ટિકટોક (TikTok) પર અમેરિકન આર્મી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે યુએસ આર્મીના સૈનિકો તેનો ઉપયોગ કરી શકશે નહીં. પ્રતિબંધનું કારણ વધુ આશ્ચર્યજનક છે. અમેરિકન આર્મીનું માનવું છે કે આ ચીની વિડીયો એપ્લિકેશન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
મિલિટરી ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર સેનાના પ્રવક્તા લેફ્ટ. કર્નલ રોબિન ઓચોઆએ કહ્યું છે કે, ટિક ટોક એ સાયબર ખતરો જેવું છે. આર્મીનું માનવું છે કે, બાયટેન્સની આ ટિક ટોક એપનો ઉપયોગ અમેરિકન જાસૂસી માટે પણ થઈ શકે છે.
ગયા મહિને, યુએસ નેવીએ સરકાર દ્વારા પ્રદાન કરાયેલા ડિવાઇસમાંથી તેના સભ્યોની ટિકટોક એપને ડિલીટ કરાવી દીધી છે. અહેવાલ મુજબ, સંરક્ષણ વિભાગે તેના કર્મચારીઓને કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા સાવચેતી રાખવાનું કહ્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકામાં પણ ટિકટોક એપની તપાસ ચાલી રહી છે. ઓક્ટોબરમાં, કેટલાક નેતાઓએ આ એપ્લિકેશનની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યારબાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસનો મુખ્ય વિષય એ છે કે આ ચીની એપ્લિકેશન વપરાશકર્તા ડેટા એકત્રિત કરે છે કે નહીં.