નવી દિલ્હી : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને તેમના દેશમાં ટેસ્ટ મેચ રમવા માટે હજી રાજી નહીં કરી શકનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હવે બાંગ્લાદેશના મનામણાં પર ઉતર્યું છે. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, પીસીબીએ બાંગ્લાદેશને અગાઉની બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા ન માંગતા હોય તો તે એક જ ટેસ્ટ મેચ રમી લે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસને હજી ત્રણ અઠવાડિયા બાકી છે, પરંતુ બંને દેશોના ક્રિકેટ બોર્ડ હજી પ્રવાસના સમયપત્રક પર સહમત થયા નથી. બાંગ્લાદેશ ટૂર પર ત્રણ ટી -20 મેચ અને બે ટેસ્ટ મેચ રમવાનું છે, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ફક્ત ટી -20 માટે જ સંમત થયું છે. તેમનું કહેવું છે કે આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ જોયા બાદ તે ટેસ્ટ મેચ અંગે નિર્ણય લેશે.
પરંતુ પીસીબી ઈચ્છે છે કે, આખી ટૂર એક સાથે રહે અને કોઈ મેચ તટસ્થ જગ્યાએ ન થાય. અગાઉ બાંગ્લાદેશે સ્પષ્ટ કહ્યું હતું કે સુરક્ષાના કારણોસર તે પાકિસ્તાનને બદલે કોઈ તટસ્થ જગ્યાએ લાંબા ગાળાની ટેસ્ટ મેચ રમવાનું પસંદ કરશે.