ઢાકા : બાંગ્લાદેશમાં ફરીથી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીની આયાતમાં ઘટાડો અને નવા પાકની આવકમાં ઘટાડો થવાને કારણે કિંમતોમાં વધારો થયો છે. શનિવારના રોજ સામે આવેલા અહેવાલ મુજબ, શુક્રવારે રિટેલરો એક કિલો ડુંગળી માટે 180 ટાકા (બાંગ્લાદેશનું ચલણ) માંગતા હતા, જ્યારે ગયા અઠવાડિયે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 100-110 ટાકા પર હતો.
વેપારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારની રાતથી અચાનક વરસાદના કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. મીરપુરના પીરેરબાગના શાકભાજી વેચનાર અલ્મસ હુસેને જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઘરેલું ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 120 ટાકા હતો.
તેમણે કહ્યું, “પરંતુ જો મને જથ્થાબંધ વેપારી પાસેથી 160 કિલો ડુંગળી મળી આવે તો હું 180 ટાકા પ્રતિ કિલો નીચે વેચી શકતો નથી.” ગયા અઠવાડિયે ચીન અને ઇજિપ્તમાંથી આયાતી ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 45-55 ટાકા હતો, પરંતુ શુક્રવારે તે વધીને 70 ટાકા પ્રતિ કિલો પણ થઈ ગયો છે.
ડુંગળીના ભાવ વધારાના એક દિવસ બાદ વાણિજ્ય પ્રધાન ટીપુ મુનશીએ આ માટે ઉદ્યોગપતિઓ પાસેથી જવાબ માંગ્યો હતો. એપ્રિલમાં રમઝાન શરૂ થાય તે પહેલાં તેમને ડુંગળીના ભાવમાં વધારા અંગે ચેતવણી આપવામાં આવી હતી. બાંગ્લાદેશમાં રમઝાન દરમિયાન ડુંગળીનો વપરાશ વધે છે. મુનશીના મતે, આ મહિનામાં, દેશમાં સામાન્ય રીતે 2,00,000 ટન ડુંગળીની જરૂર હોય છે. તેમણે કહ્યું કે સરકાર ડુંગળીનો વપરાશ પૂરો કરવા આયાત વધારવાની તૈયારી કરી રહી છે.