ઇસ્લામાબાદ: શીખ સમુદાયના ખૂબ જ પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારાની બહાર જામેલી ભીડ અને પેશાવરમાં એક શીખ યુવકની હત્યાના મુદ્દાને ભારતે ઉઠાવતા પાકિસ્તાનને તે પસંદ ન આવ્યું. દુનિયામાં હેડલાઈન્સમાં છવાયેલા આ મુદા પર ભારતે પાકિસ્તાનને તેમને ત્યાં લઘુમતીઓનું રક્ષણ સુનિશ્ચિત કરવા કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને તેને ભારતીય પ્રોપોગેન્ડા ગણાવીને નકારી કાઢ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે જારી કરેલા નિવેદનની કડવી ભાષા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતે પાકિસ્તાનની દુખતી રગ પર હાથ મૂક્યો છે. ભડકી ઉઠેલા પાકિસ્તાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે ‘પાકિસ્તાનને આ બધું કહેવાને બદલે, ભારતની શાસક આરએસએસ પ્રેરિત ભાજપ સરકારે તેના દેશના લઘુમતીઓને ભગવા આતંકથી બચાવવા જોઈએ.’
નિવેદનમાં બાબરી મસ્જિદ વિવાદ, ગુજરાતના રમખાણો, મોબ લિંચિંગ, વગેરેનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે ‘જે આમાં સામેલ છે તેને લઘુમતીઓનું રક્ષણ કરવાની વાત કરવાનો અધિકાર નથી’. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘નનકાના સાહિબ અને પેશાવરની સ્થાનિક ઘટનાઓને લઘુમતીઓનાં રક્ષણ સાથે જોડવી એ પાકિસ્તાન વિરોધી પ્રચારનો એક ભાગ છે અને કાશ્મીરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે’.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં શીખ ધર્મસ્થાનો સહિતના તમામ ધર્મોના પવિત્ર સ્થળોનું સન્માન કરવામાં આવે છે. કરતારપુર કોરિડોર શરૂ કરીને પાકિસ્તાને લઘુમતીઓને રજૂ કરેલી દ્રષ્ટિથી શીખ લોકો પરિચિત છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘પેશાવરમાં શીખ યુવકની હત્યાને રાજકીય રંગ આપવાનો ભારતીય પ્રયાસ અવિવેક છે. આ બનાવ અંગે ગુનો નોંધીને તુરંત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.’