નવી દિલ્હી : ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, યુદ્ધ જહાજ આઈએનએસ ત્રિખંડ ઓમાનના અખાતમાં સ્થિત છે. જો જરૂર પડે તો ઇરાકથી ભારતીયોને આઈએનએસ ત્રિખંડ દ્વારા બચાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર યુએસના હવાઇ હુમલામાં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કસીમ સુલેમાનીના મૃત્યુ પછી ઇરાન ઇરાકમાં યુએસ સૈન્ય મથકો ઉપર મિસાઇલ હુમલો કરી રહ્યું છે. ગલ્ફ દેશોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બુધવારે ઇરાક જતા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી છે.
કેન્દ્ર સરકારે ભારતીયોને ઇરાકની બિનજરૂરી સફર ટાળવાનું કહ્યું છે. આ સિવાય કેન્દ્રએ ઇરાકમાં રહેતા એનઆરઆઈ સમુદાયને પણ જાગૃત રહેવા અને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાનું કહ્યું છે. તે જ સમયે, ભારતીય એરલાઇન્સને ગલ્ફ એર રૂટ્સ પર જવાનું ટાળવા માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.
હકીકતમાં, મધ્ય ઇરાકમાં બુધવારે સવારે (સ્થાનિક સમય) અલ અસદ એરબેઝ પર ડઝનથી વધુ રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં ઘણા યુએસ સૈનિકો સ્થિત છે. તે ઈરાન દ્વારા કરવામાં આવેલ પહેલો વળતો હુમલો હતો. નોંધપાત્ર વાત એ છે કે ગત સપ્તાહે યુએસ ડ્રોન હુમલામાં ઈરાની કુડ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની માર્યો હ્યો હતો, ત્યારબાદ યુએસ અને ઈરાન વચ્ચેના તણાવમાં વધારો થયો છે.