કરાચી: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને દેશમાં નૂર પરિવહનકારોની હડતાલને કારણે મોટો આંચકો લાગ્યો છે. દેશની નિકાસ પર તેની ખૂબ જ ખરાબ અસર પડી છે અને વેપારીઓના અંદાજ મુજબ તે દરરોજ લગભગ દસ અબજ (પાકિસ્તાની) રૂપિયાનું નુકસાન કરી શકે છે.
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની નિકાસ વધારવાના પ્રયાસોને દેશમાં મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ટ્રાન્સપોર્ટરોની હડતાલના કારણે માલ ફેક્ટરીઓથી બંદરોમાં પહોંચાડવામાં આવી રહ્યો નથી. પાકિસ્તાન હોઝિયરી ઉત્પાદકો અને નિકાસકારો એસોસિએશને બુધવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, હડતાલના કારણે માલવાહક વાહનો અને કન્ટેનરો મળતા નથી. આને કારણે હોઝયરી જેવા નિકાસલક્ષી ઉદ્યોગોને ખાસ કરીને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એવું લાગે છે કે ક્યાંય સરકાર નથી અને નિકાસકારો ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. નિવેદનમાં સરકારને તાકીદે આની નોંધ લેવાની અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિકાસયોગ્ય માલ તૈયાર છે, પરંતુ બંદરો પર મોકલવા માટે કોઈ વાહન અને કન્ટેનર નથી. આ સામગ્રી પણ ખરાબ થઈ શકે છે, જેનાથી ઘણું નુકસાન થશે.