દેશમાં પ્રત્યેક વર્ષે આશરે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે. આ દુર્ઘટનામાં આશરે દોઢ લાખ લોકો જીવ ગુમાવે છે અને આશરે 3 લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ બાબતના પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે એક કાર્યક્રમમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મંત્રાલય દ્વારા સતત પગલાં ભરવામાં આવવા છતા અકસ્માત કે મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. ગડકરીએ “માર્ગ સુરક્ષા સપ્તાહ”ની શરૂઆત કરાવી હતી, જે 17મી જાન્યુઆરી સુધી ચાલશે. ગડકરીએ કહ્યુ હતું કે માર્ગ દુર્ઘટનાને લીધે દેશના GDPને આશરે બે ટકા નુકસાન થાય છે. આ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામનાર પૈકી 62 ટકા લોકો 18થી 35 વર્ષ વચ્ચેની વય ધરાવે છે. તેમણે તામિલનાડુમાં દુર્ઘટનામાં 30 ટકા ઘટાડો થવા અને જાનહાનીમાં 30 ટકાનો ઘટાડો લાવવા બદલ તામિલનાડુ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકોને જાગૃત બનાવી અને ટ્રાફિક નિયમોનું પાલન માટે આગ્રહ રાખી તેમ જ પોલીસ, RTO, NGO અને અન્યોના એકજુટ પ્રયાસથી માર્ગ દુર્ઘટનામાં ઘટાડો લાવી શકાય છે.
ગુજરાત સરકારે ડિસેમ્બર મહિનામાં શહેરી વિસ્તારોમાં હેલમેટ પહેરવાના ફરજિયાત નિયમને હટાવ્યો હતો. જોકે, રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા એપ્રોચ રોડ પર તે ફરજિયાત છે. રાજ્યમાં 2018માં હેલમેટ ન પહેરવાને લીધે 1,500 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અગાઉ 2017માં હેલમેટ ન પહેરવાને લીધે 6068 લોકોને અકસ્માત થયો હતો, જેમાં 2,190 લોકોના મોત થયા હતા. આ અગાઉ ગત વર્ષ નવેમ્બરમાં પરિવહન મંત્રાલયે ભારતમાં માર્ગ દુર્ઘટના-2018 નામથી એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2017ની તુલનામાં 2018માં માર્ગ દુર્ઘટનાની સંખ્યામાં 0.46 ટકાનો વધારો થયો છે. તેમાં મૃતકોની સંખ્યામાં 2.37 ટકાનો વધારો થયો હતો. બીજીબાજુ 2017ની તુલનામાં વર્ષ 2018માં ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ 0.33 ટકાનો ઘટાડો થયો હતો.