નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ત્રણ મેચની ટી -20 સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવી હતી. ગુવાહાટીમાં વરસાદને કારણે આ સિરીઝની પહેલી મેચ રદ કરવામાં આવ્યા બાદ, શ્રીલંકાને બંને મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝ બાદ શ્રીલંકા પરત ફર્યા બાદ ટીમના કેપ્ટન લસિથ મલિંગાએ કહ્યું છે કે, તે ટીમની કેપ્ટનશીપ છોડવા માટે તૈયાર છે. શ્રેણી બાદ ઘરે પરત ફર્યા બાદ 36 વર્ષીય મલિંગાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, શ્રીલંકા ટી -20 મેચોમાં પૂરતી અસર છોડી શકી નહીં.
ટીમની નિષ્ફળતા અંગે વાત કરતાં શ્રીલંકાના કેપ્ટનએ કહ્યું કે, જો તેના બોલરો વિરોધી ટીમને રોકવામાં સફળ ન થઈ શક્યા, તો બેટ્સમેન પણ 170 થી વધુનો સ્કોર કરી શક્યા નહીં, જેને કારણે મેચમાં મુકાબલાની સ્થિતિ સર્જાઇ હોત. સિરીઝની બીજી મેચ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીતી હતી, જ્યારે છેલ્લી મેચ 78 રનથી જીતી હતી.
મલિંગાએ કહ્યું, “અમારી પાસે તે નહોતું.” એક વર્ષ અગાઉ ટી -20 ટીમની કેપ્ટનશીપમાં પાછા ફરનાર મલિંગાએ કહ્યું કે, જે ટીમની રેન્કિંગ વિશ્વમાં નવમાં ક્રમે છે તે ટીમ પાસેથી જીતની અપેક્ષા રાખવી યોગ્ય રહેશે નહીં.
મલિંગાએ એમ પણ કહ્યું હતું કે, તે ટીમના પ્રદર્શનની જવાબદારી લેવા તૈયાર છે. તેણે કહ્યું, “હું કોઈપણ સમયે તૈયાર છું. હું છોડવા માટે તૈયાર છું.” મલિંગા 2014 ટી -20 વર્લ્ડ કપમાં શ્રીલંકાનો કેપ્ટન હતો અને તેણે આ જવાબદારી 2016 સુધી નિભાવી હતી.