સીરિયા : સીરિયાએ કહ્યું છે કે ઇઝરાયેલે મંગળવારે (14મી જાન્યુઆરી) મોડી રાત્રે રોકેટથી તેના એર બેઝ પર હુમલો કર્યો હતો. સીરિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે અનેક રોકેટ ફાયર કર્યા હતા, પરંતુ મોટાભાગના રોકેટ હવામાં નાશ પામ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એરબેઝ પર માત્ર ચાર રોકેટ પડ્યા હતા. આ હુમલામાં થોડું નુકસાન થયું છે. આ અંગે ઇઝરાઇલ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
ન્યૂઝ એજન્સી SANAના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સીરિયન સ્થાનિક સમય અનુસાર રાત્રિના 10 વાગ્યા પછી હોમ્સ પ્રાંતમાં ટી -4 એર બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, આ હુમલાને કારણે એર બેઝને થોડું નુકસાન થયું હતું. મોટાભાગના રોકેટોને અટકાવવામાં આવ્યા હોવા છતાં, ચાર રોકેટ એર બેઝ પર ત્રાટક્યા હતા.
ઇઝરાઇલ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી સામે આવી નથી. ઇઝરાયેલે છેલ્લા કેટલાક વર્ષોમાં સીરિયા પર ડઝનેક હવાઈ હુમલા કર્યા છે, પરંતુ તે ભાગ્યે જ તેના પર કોઈ ટિપ્પણી કરે છે. માનવામાં આવે છે કે, ઇઝરાયેલ વ્યાપકપણે સીરિયામાં ઇરાની અને હિઝબૂલાહ સૈન્યને નિશાન બનાવે છે. કારણ કે, તેના લડવૈયાઓ સીરિયા સાથે મળીને યુદ્ધ લડે છે.