વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) લાગુ કરવામાં આવી છે. આ પેન્શન યોજનામાં અનેક સુવિધા આપવામાં આવી છે. જેમ કે કોઈ વ્યક્તિને ગંભીર બીમારી થઈ હોય કે પરિવારમાં કોઈને ગંભીર બીમારી થઈ હોય તો તેવી સ્થિતિમાં આ સ્કીમને રદ્દ કરાવીને 98 ટકા રકમ પરત પણ લઈ શકાય છે. જો કે, 2 ટકા રકમ પેનલ્ટી તરીકે કાપી લેવામાં આવશે. જો પતિ-પત્નીએ એકસાથે 10 કે 15 લાખ જમા કરાવ્યા છે અને બંને આ સ્કીમ બંધ કરાવવા માગે છે તો 2 ટકા રકમ પેનલ્ટી તરીકે આપીને તેઓ આ સ્કીમને બંધ કરી શકે છે. જો કે, આ માત્ર ગંભીર બિમારીની સ્થિતિમાં મૃત્યુનું જોખમ હોય ત્યારે જ કરી શકાશે. આ ઉપરાંત એક ફાયદો એ પણ મળે છે કે,પરિવારમાં બાળકોનાં લગ્ન હોય, કોઈ બિમારીના કારણે વધુ પૈસાની જરૂર હોય કે પારિવારિક કોઈ પણ પ્રસંગ માટે પૈસાની જરૂર હોય તો તમે જમા કરેલી રકમ પર મહત્ત્મ 75 ટકા લોન પણ લઈ શકો છો. પેન્શન સ્કીમમાંથી તમે જે લોન લીધી છે, તેમાંથી તમે મળનારી માસિક પેન્શનમાંથી થોડી-થોડી લોન ચૂકવી શકો છો. લોનની સુવિધા સ્કીમ લેવાના ત્રણ વર્ષ પછી જ મળે છે.
ફ્રી લૂક પીરિયડ:
જો કોઈ પોલિસીધારક નિયમ અને શરતોથી સંતુષ્ટ નથી તો તે કારણ બતાવીને સ્કીમ લેવાના 15 દિવસના અંદર તેને રદ્દ કરાવી શકે છે. ઓનલાઈન સ્કીમ લેનારાને તેના માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પોલિસી પાછી કરતી વખતે જો તમે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હોય તો તે પેન્શનનો જે પ્રથમ હપ્તો ચુકવણી તરીકે ચૂકવ્યો હો તો તેટલી રકમ કાપીને બાકીની રકમ પાછી આપવામાં આવે છે.
ગેરન્ટી રિટર્ન:
આ ગેરન્ટીડ રિટર્ન ધરાવતી એક સારી સ્કીમ છે. જેમ-જેમ અર્થતંત્રનો વિકાસ થાય છે, તો વ્યાજ દરમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં 10 વર્ષ માટે ફિક્સ 8 ટકા વ્યાજ દર મળવો તમારા માટે ફાયદાકારક રહે છે.
સર્વોચ્ચ સુરક્ષા સ્તર:
આ યોજનામાં ભારત સરકારે ગેરન્ટી આપી છે અને LIC (લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા હેન્ડલ કરવામાં આવી રહી છે, તેથી તેમાં પૈસાની સુરક્ષાની સંપૂર્ણ ગેરન્ટી છે.
પોલીસી પાકવાનો લાભ:
10 વર્ષની પોલિસી સમયમર્યાદાના અંત સુધી પેન્શનરના જીવતા રહેતાં તેને અંતિમ પેન્શનના હપ્તાની સાથે જ મૂળ રકમ પરત આપવામાં આવશે. જો વ્યક્તિ બીજા 10 વર્ષ સુધી ફરીથી આ રકમ સાથે પેન્શન સ્કીમ લેવા માગે છે તો તે લઈ શકે છે.
આત્મહત્યાની સ્થિતિમાં:
જો કોઈ પેન્શનધારક વ્યક્તિ આત્મહત્યા કરી લે છે તો તેના વારસદારને કોઈ વધારાનો ફાયદો મળતો નથી. યોજનામાં જેટલી રકમ રોકાણ કરવામાં આવી હશે, તે રકમ પરત કરી દેવાશે.