IND vs ENG 4થી ટેસ્ટ પહેલાં જસપ્રીત બુમરાહને આરામ આપવાની શક્યતા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીનો ચોથો મુકાબલો હવે નજીક આવી રહ્યો છે. અત્યાર સુધી ભારત 1-2થી શ્રેણીમાં પાછળ છે. ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચર્ચા હવે જસપ્રીત બુમરાહના રમવા કે ન રમવાને લઇને છે. બુમરાહ હવે બાકીની બેમાંથી ફક્ત એક મેચ રમી શકે છે અને સંકેત છે કે તેમને માન્ચેસ્ટરમાં આરામ આપવામાં આવશે.
આ નિર્ણયને લઈ ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે પોતાનો વિરોધ જાહેર કર્યો છે. રેવસ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “ટીમ ઇન્ડિયા માટે રમવું સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે ફિટ છો તો તમારે મેચ રમી જવી જોઈએ. આરામની વાત ત્યારે કરો જ્યારે ખરેખર જરૂર હોય.”
વેંગસરકરે કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર પર પણ વાકચાત કરી, કહ્યુ કે આ નિર્ણય યોગ્ય લાગતો નથી. “બુમરાહ વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે અને તે મેચ જીતાડી શકે છે. જ્યારે તમે પ્રવાસ પર જાઓ, ત્યારે દરેક મેચ મહત્વપૂર્ણ હોય છે,” એમ તેમણે કહ્યું.
બુમરાહે અત્યાર સુધી શ્રેણીમાં 2 ટેસ્ટ રમી છે અને 12 વિકેટ સાથે બીજી સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડી છે. મોહમ્મદ સિરાજ 13 વિકેટ સાથે ટોપ પર છે અને આકાશદીપે 11 વિકેટ લીધી છે.
દિલચસ્પ વાત એ છે કે ભારતે અત્યાર સુધી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ક્યારેય ટેસ્ટ જીત્યો નથી. 9માંથી 5 મેચ ડ્રો રહી છે અને 4માં ભારત હાર્યું છે. શ્રેણી બચાવવી હોય તો ભારતને ચોથા ટેસ્ટમાં જીત જરૂર પડશે.