ગુરુવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા ઓટો એક્સ્પો 2020નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગડકરીએ કહ્યું કે, આગામી દિવસોમાં ભારત વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રિક વાહન બનાવનાર દેશ બનશે. ગડકરીએ કહ્યું કે, ‘તમામ વાહનોમાં BS-6 એન્જિનનું મિશન કોઈ પડકારથી ઓછું નથી. પરંતુ બધી કંપનીઓએ આમાં ઘણી મદદ કરી અને એટલે જ આ સપનું પૂરું થયું. આ અભિયાનને આગળ વધારવા માટે સરકાર હંમેશાં તમારી સાથે રહેશે. ઓટોમોબાઈલ સેક્શન માટે મોમેન્ટમ આગામી દિવસોમાં વધુ વધશે. આવનારો સમય ફક્ત ઇ-વ્હીકલ્સનો જ રહેશે. તેથી, રિસર્ચ પર વધુ ફોકસ રહેશે. હું જણાવવા માગીશ કે સ્ક્રેપિંગ પોલિસી ઓટો સેગમેન્ટ માટે એક વરદાન છે. ગડકરીએ તેમની સરકારની સિધ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે, ‘અમે દિલ્હીથી મુંબઇ સુધીનો એક નવો હાઇવે બનાવી રહ્યા છીએ, જે 280કિમીનું અંતર ઘટાડી દેશે અને 10 કલાકમાં દિલ્હીથી મુંબઇ જઇ શકાશે.’