નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતને લઈને ખૂબ ઉત્સુક દેખાઈ રહ્યા છે. ટ્રમ્પે વોશિંગટનમાં તેમની ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ તેમના ભારત પ્રવાસની તૈયારી કરી રહ્યા છે જ્યાં લાખો લોકો તેમનું સ્વાગત કરવા તૈયાર છે.
10 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસે જાહેરાત કરી કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવશે. ટ્રમ્પ અમદાવાદ અને નવી દિલ્હીમાં રહેશે.
લાખો લોકો સ્વાગત કરવા તૈયાર
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે, તે ખૂબ જ અદભૂત વ્યક્તિ છે. હું ભારત જવા માટે રાહ જોઈ રહ્યો છું, અમે આ મહિનાના અંતમાં ભારત જઈ રહ્યા છીએ.” ટ્રમ્પે કહ્યું કે તેમણે આ અઠવાડિયાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે, લાખો લોકો તેમનું સ્વાગત કરવા તૈયાર છે. આ લોકો એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી તેમનું સ્વાગત કરશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ અગાઉ ન્યૂ હેમ્પશાયરમાં તેમની રેલીનો ઉલ્લેખ કર્યો હતો. આ રેલીમાં 40 થી 50 હજાર લોકો જોડાયા હતા. રાષ્ટ્રપતિએ સહેજ મજાક કરતા કહ્યું કે, આટલી મોટી ભીડની વચ્ચે તેઓ કદાચ આરામદાયક ન લાગે.
50 થી 70 લાખ લોકો સ્વાગત કરશે
ટ્રમ્પે કહ્યું, “જ્યારે અમારી પાસે અહીં 50,000 લોકો હતા તો મને એટલું સારું લાગતું ન હતું.’ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “પીએમ મોદીએ કહ્યું કે, અમારી પાસે અહીં લાખો લોકો હશે. તેઓ માને છે કે ફક્ત એરપોર્ટથી નવા સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) સુધી 50 થી 70 લાખ લોકો હશે. શું તમે જાણો છો કે તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તેઓ તેનું નિર્માણ કરી રહ્યા છે તે લગભગ પૂર્ણ થઈ ગયું છે.