સત્ય ન્યૂઝ વલસાડ તા.1 : મદનવાડ વિસ્તારમાં આવેલ વર્ષો જૂનું મકાન આજે સવારે એકાએક ધડાકાભેર તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જોકે મકાન માલિક લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાથી મકાનમાં કોઈ હાજર ન હતું જેથી કોઇને જાનહાની થઇ ન હતી. પરંતુ ઘરની સાધન સામગ્રી અને મકાનની બાજુમાં પાર્ક કરેલી કારણે ભારે નુકશાન થયું હતું.
સ્થળ પરથી પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડના મદનવાડ પારેખ હોસ્પિટલ સામે રેહતા પ્રતિકભાઈ બી. પારેખ નું વર્ષો જૂનું મકાન આજે સવારે 10:00 વાગ્યાના સુમારે અચાનક તૂટી પડ્યું હતું. અને ઘરમાં મુકેલ સાધન સામગ્રી ને ભારે નુકશાન પહોંચ્યું હતું. મકાન ની બાજુમાં પાર્ક કરેલી એસન્ટ કાર નંબર જીજે.06.સીબી.4096 પર મકાન ની કાટમાળ પડવાથી કારને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ બનાવમાં મકાન માલિક પ્રતીકભાઈ બી. પારેખ અને તેમની માતા તેમના સબંધી ને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હોવાથી ઘરમાં કોઈ હાજર ન હતું જેથી સદ્ નસીબે તેઓ બચી ગયા હતા. આ ઘટનાની જાણ થતા વલસાડ નગરપાલિકા ના ફાયર ફાયટરો, વલસાડ નગરપાલિકા ચીફ એન્જીનીયર હિતેષભાઇ પટેલ, નગરપાલિકા ના સભ્યો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને તૂટી પડેલા મકાન માંથી ઘર વખરીની સાધન સામગ્રી સલામત રીતે બહાર કાઢી હતી. અને બાજુમાં આવેલા અન્ય બે મકાનો પણ જર્જરીત જણાતા તે મકાનો ને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા.