મુંબઈ : બિગ બોસ 13 શો સમાપ્ત થઈ ગયો છે અને સિદ્ધાર્થ શુક્લા આ સિઝનમાં વિજેતા બન્યો છે. ટોચના 6માં આરતી સિંહ પણ શામેલ હતી. અમે તમને જણાવી દઈએ કે આરતીએ આ શો પર ખુલાસો કર્યો હતો કે તેણી જ્યારે નાની હતી ત્યારે એક શખ્સે તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. હવે આરતીના ભાઈ કૃષ્ણાએ આ મામલે નવું નિવેદન આપ્યું છે.
કૃષ્ણાએ આ બાબતે કહ્યું હતું કે ‘તેણી બોલતા- બોલતા વધુ બોલી ગઈ હતી. તેની ઉપર કોઈપણ પ્રકારે બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. તે થવાનું હતું, પણ તે છોકરો ભાગી ગયો હતો. છોકરા વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે પછી તેની કોઈ તપાસ થઇ ન હતી. પોલીસે તેને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મળ્યો ન હતો.
કૃષ્ણાએ વધુમાં કહ્યું કે, ‘આરતી ખૂબ સંવેદનશીલ હોય છે અને નાની વસ્તુઓ પ્રત્યે પ્રતિક્રિયા આપે છે. જ્યારે હું તેને શો પર છોડવા આવ્યો ત્યારે મને લાગતું ન હતું કે તે આટલી આગળ વધશે. એક મહિના પછી તેને પેનિક એટેક (ગભરાટ ભર્યો હુમલો) આવ્યો હતો. અમે બધા ડરી ગયા હતા અને અમને લાગ્યું કે તે ઠીક નથી. તે વહેલી તકે શોમાંથી બહાર આવશે. પરંતુ તેણે ખૂબ જ જોરદાર રમત રમી હતી.’