અમેરિકાના ટેક્સાસના બ્રેનહેમમાં રહેતા જોર્ડન સ્પેનને 1.5 વર્ષ પછી તેના દીકરાની હાર્ટબીટ (હૃદયના ધબકારા) 54 વર્ષની મહિલાના ક્રિસ્ટી હૃદયમાં સાંભળવાનો અવસર મળ્યો. આ અવસરનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વાત એમ છે કે જોર્ડનનો પુત્ર મેથ્યુ વર્ષ 2018માં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તે 10 દિવસ સુધી બ્રેન ડેડ રહ્યો હતો. મેથ્યુ ઓર્ગન ડોનર હતો તેથી તેનાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમાંથી તેનું હૃદય ક્રિસ્ટી નામની સ્ત્રીને ડોનેટ કરવામાં આવ્યું હતું. વર્ષ 2018માં જોર્ડનના પુત્રનાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમાંથી 54 વર્ષીય ક્રિસ્ટીનાં શરીરમાં મેથ્યુનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે પિતા જોર્ડનને દોઢ વર્ષ પછી ક્રિસ્ટી વિશે માહિતી મળતાં જ તેમણે ક્રિસ્ટી સાથે મુલાકાત કરવાનું વિચાર્યું. 10 ફેબ્રુઆરીએ જોર્ડન અને ક્રિસ્ટીની મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં જોર્ડને સ્ટેથોસ્કોપની મદદથી મેથ્યુના મૃત્યુ પછી પ્રથમ વખત હાર્ટબીટ સાંભળી હતી. આ ઈમોશનલ મુલાકાતનો વીડિયો મેથ્યુની માતા સમર મોસબર્ગરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સમરે પોસ્ટમાં લખ્યું છે કે મેથ્યુ દ્વારા આપવામાં આવેલ ગિફ્ટથી ક્રિસ્ટી ખુબ જ ખુશ છે. જોર્ડને મેથ્યુની હાર્ટબીટ સાંભળ્યા પછી જણાવ્યું હતું કે, ‘મને નથી ખબર કે મેથ્યુ ઓર્ગન ડોનર છે તે વાતથી કેટલા લોકો પરિચિત છે. મેથ્યુના શરીરની ચામડી અને ટીશ્યુનું પણ દાન કરવામાં આવ્યું છે.’