Video conferencing : ટેક્નોલોજી આધારિત ન્યાયપ્રણાલી તરફ ગુજરાતનું દ્રઢ પગથિયુ
Video conferencing : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ન્યાયિક વ્યવસ્થામાં ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને અનેક સુધારા લાવ્યા છે. ખાસ કરીને કેદીઓને કોર્ટમાં રજૂ કરવાની પદ્ધતિમાં વિડિયો કોન્ફરન્સિંગ (VC) માધ્યમનો ઝડપી વિકાસ નોંધાયો છે, જેના કારણે ન્યાય પ્રક્રિયા વધુ ઝડપદાર અને કાર્યક્ષમ બની છે.
રાજ્યની જેલોમાં કાર્યરત છે 83 VC સિસ્ટમ
વર્ષ 2022થી ગુજરાતમાં કોર્ટો અને જેલોમાં VC પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી હતી. રાજ્યની જેલોમાં હાલમાં 83 વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ સફળતાપૂર્વક કાર્યરત છે. આ ટેક્નોલોજીના કારણે કેદીઓને કોર્ટ સુધી લઇ જવાની જરૂરિયાત ઘટી છે, જેનાથી સમય, માનવશક્તિ અને નાણાંની બચત થઈ રહી છે.
6 મહિનામાં 53,672 કેદીઓ VC માધ્યમથી કોર્ટમાં રજૂ
2025ના પ્રથમ છ મહિનામાં કુલ 53,672 કેદીઓને VC માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યારે 2024ના સમાન સમયગાળામાં આ આંકડો 40,633 રહ્યો હતો. એટલે કે કુલ રજૂઆતમાં 12,000થી વધુનો વધારો થયો છે, જે VC પદ્ધતિની સફળતા અને તેનો વધતો વિશ્વાસ દર્શાવે છે.
ન્યાયમાં ઝડપ અને પોલીસ વિભાગમાં કાર્યક્ષમતા
VC પદ્ધતિના અમલથી પોલીસ વિભાગને માનવસંસાધનો મુક્ત થયાં, જાપ્તાના કર્મચારીઓને અન્ય મહત્વપૂર્ણ કાર્યો માટે નિયુક્ત કરી શકાયા છે. આ પગલાએ આખી ન્યાયિક વ્યવસ્થાની કાર્યક્ષમતા વધારી છે. તેમજ ભોગવતા પક્ષને ઝડપી ન્યાય અને દોષિતને ઝડપથી સજા મળવી શક્ય બની છે.
રાજયના પોલીસ વડા અને જેલ વિભાગના સક્રિય માર્ગદર્શન હેઠળ સફળ અમલ
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને જેલ ડીજીપી કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ પ્રણાલીનું વિસ્તૃત અમલ થઇ રહ્યું છે.