સામાજિક જવાબદારી ફંડથી મળેલી ભેટ, હવે સ્મીમેરમાં દોડપટ્ટી આધારિત હૃદય તપાસથી ચોક્કસ અને સસ્તું નિદાન શક્ય
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દર્દીઓની સુવિધામાં મોટો વધારો થયો છે. IDBI બેંકના CSR ફંડ હેઠળ હોસ્પિટલને ₹૧૦ લાખની કિંમતનું અત્યાધુનિક ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ (TMT) મશીન ભેટમાં મળ્યું છે, જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું.
અત્યાધુનિક ટેકનોલોજી અને તેના ફાયદા
Schiller કંપનીનું આ ટ્રેડમિલ મશીન હૃદયની બીમારીઓના નિદાનમાં ક્રાંતિકારી સાબિત થશે:
-
સચોટ નિદાન: આ મશીન દ્વારા હૃદયની કાર્યક્ષમતા, Ischemia (હાર્ટ બ્લોક) અને અન્ય જટિલ બીમારીઓની સચોટ તપાસ થઈ શકશે.
-
ECG રેકોર્ડિંગ: દર્દી આરામમાં હોય અને ટ્રેડમિલ પર કસરત કરતો હોય તે બંને સ્થિતિમાં ECG ના રિપોર્ટ્સનું સચોટ રેકોર્ડિંગ મેળવી શકાશે.
-
ફોલો-અપ સેવા: જે દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ કે બાયપાસ સર્જરી થઈ છે, તેમના નિયમિત ચેકઅપ માટે આ ટેસ્ટ અત્યંત ઉપયોગી છે.
મધ્યમ અને ગરીબ વર્ગને આર્થિક રાહત
સ્મીમેર હોસ્પિટલ આ સુવિધા પૂરી પાડીને સામાન્ય નાગરિકોનો આર્થિક બોજ હળવો કરશે:
૧. નજીવો દર: ખાનગી હોસ્પિટલોમાં TMT ટેસ્ટ માટે ₹૩૦૦ થી ₹૨૫૦૦ સુધીનો ખર્ચ થાય છે, જ્યારે અહીં ખૂબ જ ઓછા ચાર્જમાં આ ટેસ્ટ થશે.
૨. દૈનિક ક્ષમતા: હોસ્પિટલના મેડિસિન વિભાગમાં હવે દરરોજ ૨૦ થી ૨૫ દર્દીઓ આ અત્યાધુનિક ટેસ્ટનો લાભ લઈ શકશે.
૩. ઝડપી સારવાર: ઘરઆંગણે જ આધુનિક મશીન ઉપલબ્ધ થતા દર્દીઓને અન્યત્ર ભટકવું પડશે નહીં.
આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જિતેન્દ્ર દર્શન, IDBI બેંકના જનરલ મેનેજર શ્રી નાગા રેવથીકુમાર શ્રીપદા સહિત હોસ્પિટલનો મેડિકલ અને નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.
