નવી દિલ્હી : ટેસ્ટ બેટિંગ લાઇનઅપના બે મજબૂત આધારસ્તંભ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની સતત બીજી ઇનિંગમાં નિષ્ફ્ળતાથી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત બેક ફુટ પર ગયું છે. પ્રથમ ઇનિંગ્સમાં 183 રનથી પાછળ રહી ગયા પછી, ભારતે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં તેની બીજી ઇનિંગમાં ચાર વિકેટે 144 રન બનાવ્યા હતા અને તેઓ હજી પણ ન્યુઝીલેન્ડથી 39 રન પાછળ છે.
ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં છે
હવે દરોમદાર અજિંક્ય રહાણે (67 બોલમાં અણનમ 25) અને હનુમા વિહારી (70 બોલમાં અણનમ 11) પર ટકેલા છે. અગાઉ, ભારતના 165 રનના જવાબમાં, ન્યુઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં છેલ્લા બેટ્સમેનોના ઉપયોગી યોગદાન સાથે 348 રન બનાવ્યા હતા. સવારે ન્યુઝીલેન્ડના નીચલા ક્રમના બેટ્સમેનોએ ભારતીય બોલરોને નિરાશ કર્યા પછી બીજા અને ત્રીજા સત્રમાં ટ્રેન્ટ બોલ્ટે ભારતને આંચકો આપ્યો હતો.