જો તમને કોઈ સ્ટાર્ટઅપ કચરાને બદલે રૂપિયા આપે તો? પ્રથમ નજરે જોતા આ શક્ય ન લાગે પણ રાજસ્થાનનું સ્ટાર્ટઅપ કચરા બદલ રૂપિયા ચૂકવે છે. રાજસ્થાનમાં શાહપુરાના ત્રિવેણી ગામના રહેવાસી 28 વર્ષીય અંગરાજ સ્વામીએ દિલ્હી યુનિવર્સિટીમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તેણે અભ્યાસ દરમિયાન જ દેશની હાલની પરિસ્થિતિ જોઈને નક્કી કરી લીધું હતું કે હું આગળ જઈને વેસ્ટ મેનેજમેન્ટ ઉપર જ કામ કરીશ. પોતાના વિચાર પર મક્કમ રહીને આજે તેણે પોતાનું સપનું પૂરું કરી બતાવ્યું છે.અંગરાજે વર્ષ 2014માં અભ્યાસ પૂરો થયા બાદ દિલ્હીના ચાંદની ચોકમાં પોતાનો નાનકડો પેપર રિસાયક્લિંગ યુનિટ શરૂ કર્યો હતો. તેણે કહ્યું કે, મેં આ સેક્ટરમાં પાપાપગલી કર્યા પહેલાં તેના વિશેની બધી માહિતી એકઠી કરી લીધી હતી. ક્યાંથી પેપર લાવવું અને ક્યાં રિસાયક્લિંગ કરીને માર્કેટિંગ કરવું તેની પર અભ્યાસ કર્યો હતો. મારી આ આઈડિયા કામ તો કરી ગયો પણ સરકારે પેપર ઈમ્પોર્ટ પર એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી, જેથી મેં વર્ષ 2016માં યુનિટ બંધ કરી દીધું. અંગરાજે હાર ન માની અને વર્ષ 2017માં જયપુરમાં વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોગ્રામ શરૂ કર્યો, આ પ્રોગ્રામમાં તેને ખબર પડી કે આપણા દેશમાં લાખો ટનમાં કચરો પેદા થાય છે, તેનો યોગ્ય નિકાલ થતો નથી, વેસ્ટ મેનેજમેન્ટમાં કામ કરીને ઘણો ફાયદો થઈ શકે છે. દર વર્ષે આપણા દેશમાં 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાનો કચરો ડમ્પ થઈ જાય છે, ભારતમાં અલગ-અલગ કચરો ભેગો કરવાનો કોઈ કોન્સેપ્ટ જ નથી. જાપાનમાં 11 પ્રકારનો કચરો, અમેરિકામાં 8 અને ચીનમાં 4 પ્રકારનો કચરો અલગ-અલગ ભેગો કરવામાં આવે છે. વેસ્ટ મેનેજમેન્ટનું માર્કેટ અને સેક્ટર ઘણું મોટું છે. તેના માટે જરૂર છે યોગ્ય પ્લાનિંગ અને પ્રોસેસની.