નવી દિલ્હી : બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ નિઃશંકપણે કહ્યું છે કે, આ વર્ષે એશિયા કપ દુબઇમાં રમાશે અને તેમાં ભારત અને પાકિસ્તાન બંને ભાગ લેશે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) સ્પષ્ટપણે કહ્યું છે કે, આ બાબતે નિર્ણય લેવાની સત્તા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની છે, જે આ વર્ષે આ ટૂર્નામેન્ટ ક્યાં રમાશે તે નક્કી કરશે.
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી -20 વર્લ્ડ કપ યોજાવાનો છે. તો આ વખતે આ એશિયા કપ ટી 20 ફોર્મેટમાં રમવામાં આવશે. પીસીબીના એક અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન બોર્ડ એશિયા કપનું યજમાન છે, પરંતુ એસીસી તેના પર નિર્ણય લેશે અને તમામ દેશોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
પીસીબીના અધિકારીએ કહ્યું કે, ટૂર્નામેન્ટની જવાબદારી એસીસી પાસે છે અને તેથી ફક્ત આ સંસ્થાને જ એશિયા કપનું સ્થળ સ્થાનાંતરિત કરવાની સત્તા છે. નઝમૂલ હસનની અધ્યક્ષતામાં 3 માર્ચે દુબઇમાં એસીસીની બેઠક યોજાવાની છે અને તેમાં તમામ દેશોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે કે એશિયા કપ ક્યાં યોજશે.